Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

પેટલાદ ટાઉનનો પોલીસ કોન્સ્ટેબલ 50 હજારની લાંચ લેતો ઝડપાઈ ગયો

પ્રેમ લગ્ન કરનાર યુવકની પત્નીને ખોટુ સોગંધનામુ રજુ કર્યું હોવાનું જણાવ્યું પત્ની અને વકીલ વિરુદ્ધ ગુનો નહી દાખલ કરવા માટે રુા. ૫૦ હજારની લાંચ માંગી

પેટલાદ શહેરમાં પોલીસ કોન્સ્ટેબલ 50 હજારની લાંચ લેતો ઝડપાઇ ગયો હતો. જેની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 આ અંગે મળતી વિગત મુજબ પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પ્રેમ લગ્ન કરનાર યુવકની પત્નીને ખોટુ સોગંધનામુ રજુ કર્યું હોવાનું જણાવ્યું પત્ની અને વકીલ વિરુદ્ધ ગુનો નહી દાખલ કરવા માટે રુા. ૫૦ હજારની લાંચ પેટલાદ ટાઉનના કોન્સ્ટેબલે માંગી હતી. જેથી યુવકે ખેડા એસીબીમાં ફરિયાદ કરતા ખેડા એસીબીના પીઆઈ એમ. એફ. ચૌધરી અને તેમની ટીમે છટકુ ગોઠવીને કોન્સ્ટેબલ તથા ટીઆરબીના જવાનને રુા. ૫૦ હજારની લાંચ ઝડપી પાડી ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 પેટલાદ તાલુકાના એક ગામમાં રહેતા યુવકે પ્રેમલગ્ન કર્યા હતા. જેથી તેની પત્નીના પિતાએ પેટલાદ ટાઉન પોલીસ મથકે પ્રેમલગ્ન કરનાર યુવક અને તેની પત્ની વિરુદ્ધ અરજી કરેલ જેમાં પોતાની દિકરીએ લગ્ન કરવા માટે ખોટુ સોગંધનામુ રજુ કર્યા હોવાનું જણાયું હતું. અગાઉના લગ્નમાં સોગંધનામામાં ઉલ્લેખ કર્યો ન હતો. જેથી પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મહીપતસિંહ પ્રવિણસિંહે યુવકની પત્ની અને વકીલ સામે ગુનો દાખલ નહી કરવા માટે રુા. એક લાખની લાંચ માંગી હતી. જેથી ફરિયાદી યુવકે આનાકાની કરીને રુા. ૫૦ હજાર આપવાનું જણાવ્યું હતું.

આ અંગે ફરિયાદી યુવકે ખેડા એસીબીમાં રજુઆત કરી હતી. જેથી એસીબી પીઆઈ એમ. એફ. ચૌધરી અને અમદાવાદ એકમના મદદનીશ નિયામક કે. બી. ચુડાસમા અને તેમની ટીમે છટકુ ગોઠવ્યું હતું અને છટકા મુજબ યુવકને લાંચ આપવા માટે મોકલ્યો હતો. જેથી મહિપતસિંહ વતી ટીઆરબી જવાન રાહુલભાઈ રબારીએ રુા. ૫૦ હજાર લીધા હતા. જેથી આજ સમયે એસીબીએ તેજ સમયે હાજર થતા જ બંને આરોપીઓ ભાગી ગયા હતા. જેથી પોલીસે તેઓનો પીછો કરીને નાણાં સ્વીકારનાર રાહુલ રબારીને ઝડપી પાડી તેની પાસેથી નાણાં કબ્જે લીધા હતા. તેમજ નાણાં સ્વીકારવાનું કહેનાર મહિપતસિંહ ભાગી ગયો હતો. જેથી એસીબીએ પેટલાદ પોલીસ મથકે બંને વિરુદ્ધ લાંચ રુશવત હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(8:10 pm IST)