Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

સુરતમાં પાણીની બોટલના મામુલી ઝગડામાં યુવાનો જીવ ગુમાવ્યો :પેટ્રોલ પંપ પર થયેલી મારમારીમાં યુવકનું મોત

સુરત : ક્યારેક નાની બોલાચાલીની ઘટના પણ ગંભીર સ્વરૂપ લઈ લેતી હોય છે. જેમાં કોઈ વ્યક્તિનું નિધન પણ થઈ જતું હોય છે. ત્યારે આવી જ એક ઘટના સુરત શહેરના એક પેટ્રોલ પમ્પ પર બની છે. જ્યાં  ફ્રી પાણીની બોટલને લઈ થયેલા ઝઘડામાં દારૂના નશામાં ચૂર બાઈકસવારને માર માર્યા બાદ તેનું પોલીસ સ્ટેશનમાં મોત નીપજ્યું હતું.

આ બનાવની મળતી માહિતી અનુસાર, મૃતકના ભાઈ હિતેન્દ્ર સાવલિયાએ જણાવ્યું હતું કે રવીન્દ્ર બાલાજી વેફર્સમાં ટેમ્પોચાલક હતો. તે પહેલી જુલાઈના રોજ રાત્રે મિત્ર જોડે બાઇક પર સોશિયો સર્કલ નજીકના સર્વોદય પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા ગયો હતો. જ્યાં તેને રૂ. 500ના પેટ્રોલ પર એક પાણીની બોટલ ફ્રી આપતા હોવાની ઓફરને પગલે પાણીની બોટલ માગી હતી. એ બાબતે ઝઘડો થતાં પેટ્રોલ પંપ પર કામ કરતાં તમામ કર્મચારીઓએ ભેગા થઈ તેના પર તૂટી પડ્યા હતાં અને માર મારી અધમૂવો કરી દીધો હતો. આ ઘટના બાદ પોલીસ દોડી આવી હતી. અને પેટ્રોલ પંપના કર્મચારીઓની ફરિયાદને લઈ પોલીસ ઇજાગ્રસ્ત રવિન્દ્રને સિવિલ લઈ જવાને બદલે ખટોદરા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, જ્યાં તેને લોકઅપમાં બેસાડી દીધો હતો. ઘટનાની જાણ બાદ હું પોલીસ સ્ટેશન ગયો હતો. જ્યાં તેને એવું કહ્યું હતું કે મને સારું નથી લાગતું, એમ કહેતાં પોલીસને સારવાર માટે લઈ જવાની વાત કરવામાં આવે તે પહેલાં જ રવિન્દ્ર જમીન પર ઢળી પડ્યો હતો. જેથી તાત્કાલિક 108ને કોલ કરી બોલાવી લેવાઈ હતી. 108માં સિવિલ લાવતાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરાયો હતો.

સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે પેટ્રોલ પંપ પર ઝઘડાના સીસીટીવી અમારી પાસે આવ્યા છે. ગ્રાહક અને કર્મચારી વચ્ચે મારામારીની ઘટના બની છે. ગ્રાહક દારૂ પીધેલી હાલતમાં હતો અને મૃતકના મિત્ર સામે દારૂ પીધેલાનો કેસ પણ કર્યો છે. આ કિસ્સામાં યોગ્ય તપાસ થાય તે માટે મેજિસ્ટ્રેટ ઇન્કવેસ્ટ ભરીને ફોરેન્સિક પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

(6:14 pm IST)