Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

હું તો મંદિરે દર્શન કરવા જતો હતો, મેં દારૂ પીધો જ નથીઃ પંચમહાલના હાલોલના રિસોર્ટમાંથી જુગાર-દારૂની મહેફીલ બાદ ભાજપના ધારાસભ્‍ય કેસરીસિંહ સોલંકીનો બચાવ

પંચમહાલ: પંચમહાલના હાલોલમાં રિસોર્ટમાંથી ઝડપાયેલ જુગારધામ અને દારૂપાર્ટમાં 25 લોકો સામે ગુનો નોંધાયો છે. માતર બેઠકથી ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત 26 લોકોની ગઈકાલે પોલીસે અટકાયત કરી હતી. જીમીરા રિસોર્ટમાં ધારાસભ્ય સાથે સાત મહિલાઓ સહિત 26 લોકો જુગાર અને દારૂની મહેફિલ માણતા હોવાનો પર્દાફાશ થયો હતો.

જીમિરા રિસોર્ટમાં દરોડા પાડી પોલીસે 3 લાખ 80 હજાર રોકડા, 1 કરોડ 15 લાખની કિંમતના આઠ વાહનો અને 9 બોટલ દારૂની કબ્જે કરી હતી. જો કે હાલ પોલીસે 25 લોકો સામે માત્ર જુગારધામનો જ ગુનો નોંધ્યો હતો. તમામ જુગારીઓને જામીન પણ મળી ગયા છે. પરંતુ હજુ અમદાવાદના હર્ષદ પટેલના જામીન નામંજૂર કરી તેની સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. હર્ષદ પટેલના સામાનમાંથી 9 બોટલ વિદેશી દારૂની મળી આવી હતી. જેથી બાકીના 25 આરોપીનું મેડિકલ ચેકઅપ કર્યા બાદ જામીનમુક્ત કરવામાં આવ્યા છે. જેમાં ધારાસભ્ય કેસરીસિંહ પણ સામેલ છે.

આ રિસોર્ટ વડોદરાના એક શખ્સનો છે. પરંતુ રિસોર્ટના મેનેજરના નામે વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. જો માલિકની સંડોવણી હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. હાલ સમગ્ર કાંડની તપાસ પાવાગઢ પોલીસ સ્ટેશનના પીઆઈને સોંપવામાં આવી છે. જેથી પોલીસે સીસીટીવી સહિતના પુરવા એકત્ર કરી આગળની તપાસ હાથ ધરી છે.

હું તો મંદિરે દર્શન કરવા જતો હતો

જો કે જુગારધામનો પર્દાફાશ થયા બાદ ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ કેમેરા સામે મોઢું છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમને જ્યારે આ સમગ્ર ઘટના વિશે પૂછવામાં આવ્યું તો કહ્યું કે, હું તો મંદિરે દર્શન કરવા જતો હતો. હું કોઈ દિવસ દારૂ નથી પીતો.

ભાજપ પગલા લઈ શકે છે

જુગારકાંડમાં પકડાયેલા ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સામે પગલાં લેવાઈ શકે છે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સમગ્ર મામલે આપ્યા તપાસના આદેશ આપ્યા છે. તપાસ બાદ પ્રદેશ અધ્યક્ષ આ મામલે પગલા લઈ શકે છે. ધારાસભ્ય સામે શિસ્તભંગના પગલાં ભાજપ લઈ શકે છે.

(4:46 pm IST)