Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

સુરતમાં ‘લાસ્‍ટ ટાઇમ ફોર માય લાઇફ' લખીને સેલ્‍ફી પરિવારને મોકલીને તાપી નદીમાં ઝંપલાવી કુલદિપ ગૌડનો આપઘાતઃ એમેઝોન કંપનીના પિક-અપ બોય તરીકે કામ કરતા યુવકના આપઘાત અંગે રહસ્‍ય

સુરત: સુરતમાં એક યુવકે કેબલ બ્રિજ ઉપરથી તાપી નદીમાં મોતની છલાંગ લગાવી છે. તેણે મરતા પહેલા પોતાના મિત્રોને લોકેશન પણ શેર કર્યું હતું. સાથે જ 'લાસ્ટ ટાઇમ ફોર માય લાઇફ' લખી સેલ્ફી પરિવારને મોકલી બ્રિજ પરથી નીચે ઝંપલાવ્યું હતું. બ્રિજ પાસેથી તેની મોટરસાઇકલ મળી આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, 24 વર્ષીય કુલદીપ ગૌડ નામનો યુવક એમેઝોન કંપનીમાં પિક-અપ બોય તરીકે કામ કરતો હતો. ગૌડ પરિવારમાં ચાર ભાઈમાં કુલદીપ સૌથી નાનો હતો. કુલદીપ ગુરુવારના રોજ પોતાના ઘરથી બાઈક લઈને કેબલ બ્રિજ પહોંચ્યો હતો. બ્રિજ પર ઉભા રહીને તેણે સૌથી પહેલા સેલ્ફી લીધી હતી. તેના બાદ તેણે એ સેલ્ફી પર 'લાસ્ટ ટાઇમ ફોર માય લાઇફ' લખીને વોટ્સએપ સ્ટેટસમાં મૂકી હતી. તેના બાદ તેણે પોતાના મિત્રોને કેબલ બ્રિજનુ લોકેશન શેર કરીને તાપી નદીમાં ઝંપલાવ્યું હતું.

બીજી તરફ, મેસેજ મળતા જ તેના મિત્રો કેબલ બ્રિજ તરફ ગયા હતા. જ્યાંથી તેનુ બાઈક મળી આવ્યુ હતુ. મિત્રોએ પોલીસ અને ફાયરબ્રિગેડને આ વિશે જાણ કરી હતી. ફાયર વિભાગ દ્વારા તાપી નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવતા મૃતદેહ મળી આવ્યો હતો. આ વાતની જાણ થતા જ તેનો પરિવાર બ્રિજ તરફ દોડી ગયો હતો. 

મોડી સાંજ સુધી કુલદીપ મળી આવ્યો ન હતો. દરમિયાન આજે શોધખોળ હાથ ધરતા મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે વિગતો નોંધીને તપાસ હાથ ધરી હતી. કુલદીપે કયા કારણોસર આ કર્યું તે વિશે હજી માલૂમ પડ્યુ નથી. પરંતુ પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે. તેણે સેલ્ફી પર 'લાસ્ટ ટાઇમ ફોર માય લાઇફ' એવુ કેમ લખ્યુ, શું તે કોઈ મુસીબતમાં હતો એ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

કુલદીપના આપઘાત અંગે તેના ત્રણેય ભાઇઓ અને મિત્રોમાં પણ મૂંઝવણ છે. કુલદીપને કોઇ યુવતી સાથે પ્રેમસંબંધ હતો કે કેમ એ બાબતે તેના ભાઇઓને જાણ નથી, મોટા ભાઇ સુજિત ગૌડએ કહ્યું હતું કે કુલદીપ સીધો અને સરળ સ્વભાવનો હતો, તેને પ્રેમસંબંધ ન હતો, તેને કોઇ ચિંતા પણ ન હતી કે રૂપિયા બાબતે પણ તણાવ ન હતો. 

(4:45 pm IST)