Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ગુજરાતમાં વરસાદ ખેંચાયોઃ ખેડૂતો બન્યા ચિંતાતુર

વરસાદ ખેંચાય તો ખરીફ પાકને થઇ શકે મોટું નુકસાનઃ ગત વર્ષની તુલનામાં જૂન-૨૦૨૧માં થયો ઓછો વરસાદ : આ વર્ષે જૂન-૨૦૨૧માં સરેરાશ વરસાદ ૧૨૦.૩૮ મી.મી.: ગત વર્ષની જૂન-૨૦૨૦માં સરેરાશ વરસાદ ૧૨૨.૨૪ મી.મી., હજી સપ્તાહ માટે વરસાદ ખેંચાવાની છે આગાહી

નવી દિલ્હી, તા.૨: ગુજરાતમાં ચોમાસાની મોસમનો વરસાદ હાલ સપ્તાહ માટે ખેંચાઇ શકે છે. હવામાન વિભાગે આ અંગેની આગાહી કરી છે. દરમ્યાન જો સપ્તાહ સુધી વરસાદ નહીં થાય તો ખરીફ પાકને મોટું નુકસાન થઇ શકે છે. હાલ તો વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.ગુજરાતમાં ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ તારીખ-૩૦ જૂન-૨૦૨૧ની સ્થિતિએ ૧૨.૨૪ મીલીમીટર થયો છે. જે ગત વર્ષ જૂન-૨૦૨૦માં ૧૨.૩૮ મીલીમીટર હતો. એટલે કે ગત વર્ષની તુલનામાં સરેરાશ વરસાદ જૂન અંતિમની સ્થિતિએ ઓછો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સમયમાં સપ્તાહ માટે વરસાદ ખેંચાઇ શકે છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે ઓછો વરસાદ થતા હાલની સ્થિતિએ કપાસ અને મગફળીનાં પાકને નુકસાન થયું છે. જયારે હવે જો હવામાન વિભાગની આગાહી મુજબ સપ્તાહ સુધી વરસાદ ખેંચાય તો હજી ખરીફ પાક મહદઅંશે ડાંગર અને તેલીબિયાને મોટું નુકસાન થઇ શકે છે. પરિણામે ખેડૂતોને કોરોનાકાળ – તૌકતે વાવાઝોડુ અને હવે વરસાદમાં વિલંબનાં કારણે માથે હાથ દઇને બેસવાનો વારો આવે તેવી સ્થિતિ છે. હવે આગામી સમયમાં ખેતરમાં ખરીફ પાક મહદઅંશે ડાંગર અને તેલિબીયા પાકનું વાવેતર શરૂ થવાની તૈયારીમાં છે. ત્યારે ખેડૂતો હાલ તો ચાતક નજરે વરસાદ થવાની રાહ જોઇને બેઠા છે. ખેડૂતોની આશા પૂર્ણ થાય તો તેનો લાભ અંતે ગુજરાતની જનતાને જ થશે.

(4:00 pm IST)