Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

અમદાવાદના મેઘાણીનગરમાં મહિલા ત્રિપુટીએ બુટ-ચપલ બનાવતા કારીગર સાથે કરી છેતરપિંડીઃ સસ્તુ સોનુ આપવાની લાલચમાં ૩ લાખ લઇને ભાગી જતા ખળભળાટ

અમદાવાદ: મેઘાણીનગરમાં ઠગ મહિલા ત્રિપુટીએ વેપારીને સસ્તું સોનુ આપવાની લાલચ આપીને નકલી સોનુ પધરાવી 3 લાખ રૂપિયાની ઠગાઈ આચરી હતી. વેપારીને પહેલા અસલી સોનાનો સિક્કો આપીને સોની પાસે ચેક કરાવવા મહિલાઓએ જણાવ્યું હતું. વેપારીએ સોની પાસે સિક્કો ચેક કરાવતા અસલી હોવાનો રિપોર્ટ મળ્યો હતો. આખરે વેપારીએ 30 તોલા સોનુ 3 લાખ રૂપિયા પહેલા અને બાકીના 3 લાખ પછી આપવાની શરતે ખરીદ્યું હતું. જો કે 3 લાખ આપ્યા બાદ સોનુ ચેક કરાવતા નકલી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

મેઘાણી નગરમાં રહેતા કિશનજી હુકમાજી ચૌહાણ બુટ ચપ્પલ બનવવાનો વેપાર કરે છે. કિશનજીના વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી ઘી વેચવા આવતી યુવતી અન્ય બે સ્ત્રીઓને લઈને 18મી જૂનના રોજ તેમના ત્યાં આવી હતી.

આ બે અજાણી માહિલામાંથી એક મહિલાએ સોનાના સિક્કા ભરેલો થેલો કાઢી કિશનજીને કહ્યું કે, ખેતરમાં મજૂરી કરતા સમયે અમને આ સોનાના સિક્કા મળ્યા છે. બાદમાં મહિલાએ એક સિક્કો કિશનજીને આપ્યો અને ચેક કરાવી લેવા કહ્યું હતું. કિશનજીએ સિક્કો ચેક કરાવતા અસલી હોવાનું ધ્યાને આવ્યું હતું.

બીજા દિવસે આ મહિલાઓએ અત્યારે 3 લાખ રૂપિયા આપો બાકીના પછી આપજો તેમ કહી કિશનજીને સોનુ આપ્યું હતું. કિશનજીએ ઘરના દાગીના ગીરવે મૂકી 3 લાખ રૂપિયા મહિલાઓને આપ્યા હતા. બાદમાં પૈસા લઈ આ મહિલાઓ રિક્ષામાં બેસી નીકળી ગઈ હતી. કિશનજીએ સોનુ ચેક કરાવતા તમામ સિક્કા નકલી હોવાનું સોનીએ જણાવ્યું હતું. બનાવ અંગે મેઘાણીનગર પોલીસે ઠગાઈનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:20 pm IST)