Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

ગુજરાતમાં જૂનમાં ૭૭૪૮૨ દસ્તાવેજ

લોકડાઉનમાં છુટછાટ પછી ૨૪ એપ્રિલથી ૧ જુલાઈ સુધીમાં કુલ ૯૮૧૨૪ દસ્તાવેજઃ સરકારને ૪૭૭ કરોડની આવકઃ હવે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ કાયમી પદ્ધતિ

રાજકોટ, તા. ૨ :. રાજ્યમાં લોકડાઉન વખતે જમીન-મકાનના વેચાણ, સાટાખત સહિતની દસ્તાવેજની પ્રક્રિયા સંપૂર્ણ ઠપ્પ થઈ ગયેલ. લોકડાઉનમાં છુટછાટ મળતા પરિસ્થિતિ થાળે પડી રહી છે. દસ્તાવેજની સંખ્યા વધવાની સાથે સરકારની તિજોરીમાં પણ મોટી આવક શરૂ થઈ છે. લોકડાઉન પહેલા સામાન્ય દિવસોમાં દસ્તાવેજની કામગીરીથી સરકારને દરરોજ સરેરાશ ૨૮ કરોડ જેવી આવક થતી. હાલ સરેરાશ આવકનો રોજનો આંકડો ૨૦ થી ૨૨ કરોડ છે.

સત્તાવાર વર્તુળોના જણાવ્યા મુજબ તા. ૧ થી ૩૦ જૂન સુધીમાં કામકાજના ૨૫ દિવસોમાં રાજ્યમાં ૭૭૪૮૨ દસ્તાવેજ નોંધાયા છે. લોકડાઉનમાં દસ્તાવેજ બંધ થયા બાદ ૨૪ એપ્રિલથી ફરી નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ. તે દિવસથી તા. ૧ જુલાઈ સુધીમાં રાજ્યમાં ૯૮૧૨૪ દસ્તાવેજ નોંધાયા છે. જેના થકી સરકારને નોંધણી ફી અને સ્ટેમ્પ ડયુટીના મળીને કુલ રૂ. ૪,૭૭,૨૫,૩૦,૫૫૪ની આવક થઈ છે. જૂન મહિનામાં સૌથી વધુ દસ્તાવેજ ૪૧૬૧ તા. ૨૫ જૂને નોંધાયા હતા.

(4:04 pm IST)