Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

બ્લેન્ડેડ લર્નિંગ (મિશ્રિત શિક્ષણ)નું આગવુ મોડેલ : ડો. ટી.એસ.જોશીના હસ્તે પ્રારંભ

પાલનપુરના વિદ્યામંદિર ટ્રસ્ટે કોરોનાની આફતને અવસરમાં પલટી : રેકોર્ડીંગ - એડીટીંગના આધુનિક સ્ટુડીયો : વિશ્વકક્ષાની સામગ્રીનો સમન્વય

પાલનપુરના વિદ્યા મંદિર ટ્રસ્ટ ખાતે વિદ્યામંદિર શૈક્ષણિક સ્ટુડીઓનું ઉદ્ઘાટન ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગના નિયામક ડો. ટી.એસ.જોશીના હસ્તે કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. ૨ : બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની જાણીતી શૈક્ષણિક સંસ્થા વિદ્યામંદિર ટ્રસ્ટ (ફોન નં. ૦૨૭૪૨ - ૨૫૮૫૪૭) દ્વારા કોરોનાને અનુલક્ષીને વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણનો અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. બ્લેન્ડેડ લર્નિંગ મોડેલનો શુભારંભ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગરના નિયામક ડો. ટી.એસ.જોશીના હસ્તે કરવામાં આવ્યો છે.

સંસ્થાના નિયામક ડો. હસમુખ મોદીના જણાવ્યા મુજબ માર્ચ ૨૦૨૦થી કોવિડ -૧૯ ની મહામારીને લીધે એક નવો પડકાર સામે આવ્યો. વિદ્યામંદિરના ટ્રસ્ટીઓ પોતાના વ્યવસાય અર્થે વિશ્વ કક્ષાએ નિયમિત સંપર્ક ધરાવે છે અને તેમના વિશ્વ કશાના અવલોકનોનો લાભ સંસ્થાને મળ્યો. સ્થાનિક કક્ષાએ લોકડાઉન શરૂ થાય તે પહેલા વિદ્યામંદિરના લગભગ ૨૦૦ જેટલા શિક્ષકોને ઓનલાઈન લર્નિગની તાલીમ આપી દરેકના ઘરે લેપટોપ અથવા કમ્યુટર પહોચાડી સંસ્થાના ધોરણ ૬ થી ૧૨ અને તાલીમી કોલેજોના તમામ તાલીમાર્થીઓને ૩૦ના ગ્રુપમાં વિભાજીત કરી એપ્રિલ માસ થી જ નિયમિત રીતે ઓનલાઈન પદ્ઘતિથી શિક્ષણ કાર્ય થઇ રહ્યું છે. અમારો અનુભવ છે કે ઘણી મર્યાદાઓ ને લીધે ઓનલાઈન લર્નિગ બાળકને ભણાવવાની બદલે માત્ર તેનો આત્મવિશ્વાસ ટકાવી રાખવામાં અને તેને વ્યસ્ત રાખવામાં મદદરૂપ થાય છે. સરકારનો હોમ લર્નિગનો કોન્સેપ્ટ પણ અમોને સારો લાગ્યો.હોમ લર્નિગમાં બાળકને જે તે અધ્યયન માટે તમામ પ્રકારનું સાહિત્ય ડિજીટલ કે સોફટકોપી ફોર્મેટમાં અગાઉથી ઉપલબ્ધ કરાવી આપવામાં આવે છે. બાળક પોતાની અનુકુળતા મુજબ તથા પોતાના સમયે અને પોતાના મૂડ મુજબ પોતાની શીખવાની જરૂરિયાત પ્રમાણે પુનરાવર્તન કરી ચર્ચામાં ભાગીદાર બનવા સુધી સક્ષમ બને છે.

તમામ અનુભવોનો સમન્વય કરી આ વૈશ્વિક મહામારીના સમય દરમિયાન જ શિક્ષણનું એક નવું વિદ્યામંદિર બ્લેન્ડેડ લર્નિગ મોડેલ તૈયાર કર્યું. આ મોડેલને અસરકારક બનાવાવા અમે જુદા જુદા પ્રકારની સુવિધાઓ સાથેના ત્રણ વિડીઓ રેકોર્ડીંગ સ્ટુડીઓ અને વિડીઓ એડીટીંગ સ્ટુડીઓનું નિર્માણ કર્યું. તમામ કમ્યુટર ઓપરેટરો અને તમામ શિક્ષકોને તાલીમ આપી. શૈક્ષણિક કન્ટેન્ટને ૫૦ મિનીટના એક એવા હિસ્સામાં વિભાજીત કરી આયોજન શરુ કર્યું. જે વિષય વસ્તુ બાળકને શીખવવા માટે ચોકસાઈ પૂર્વક પોતાની સ્કીલ + જે તે વિષય વસ્તુ મુજબ શૈક્ષણિક પદ્ઘતિ અને પ્રવિધિનો ઉપયોગ + ટેકનોલોજીનો સહયોગ + પોતાની રજૂઆતનું વિડીઓ શુટિંગ કરાવી વિડીઓ એડિટર પાસે વિશ્વ કક્ષાએ ઉપલબ્ધ અન્ય ડિજીટલ શૈક્ષણિક મટીરિયલનું ઉમેરણ કરી સોફટવેરના ઉપયોગ થી અસરકારક એડીટીંગ કરાવી, એડિટ કરેલા વિડીઓ ને રેન્ડરીંગ કરી ૫૦ મિનીટના એક એવા તાસમાં બાળક પાસે પહોચે તે રીતે વિડીઓ વિદ્યામંદિરના ઓનલાઈન પ્લેટફોર્મ પર જે તે વિષય વસ્તુના લેખિત સાહિત્યની સોફટકોપી સહીત અપલોડ કરવામાં આવે.

આ દરેક વિડીઓ ૫૦ મિનીટથી વધુ સમયનો ના હોય અને દરેક ૫૦ મિનીટના તાસ દરમિયાન વચ્ચે વધુમાં વધુ ૨૫ મિનીટ પછી પાચ સેકંડનો નાનો બ્રેક આવે જેથી બાળકની એકાગ્રતાની સાથે સાથે તેની આંખો અને માનસિક સ્વાસ્થ્યને પણ નુકસાન ના થાય તેનું ધ્યાન રખાય. બાળક જે તે વિષય વસ્તુ ની ચર્ચા માટે શિક્ષક સાથે હાલ ઓનલાઈન અને શાળા ખુલ્યા પછી વર્ગમાં રૂબરૂ શિક્ષક સાથે જોડાય તેના ૪૮ કલાક પહેલા આ આકર્ષક વિડીઓ અને તેનું સોફટકોપીમાં સાહિત્ય બાળકને પહોચાડવામાં આવે તેવી વ્યવસ્થા છે.

પહેલા બાળક વર્ગમાં અજ્ઞાત વિષય વસ્તુ શિક્ષક પાસે પહેલા મેળવતો. આ સમયે તે આ અજ્ઞાત વિષય વસ્તુ મેળવવા પોતાની રીતે પ્રકિયા સાથે માનસિક રીતે સંકલિત હોય કે ના પણ હોય અને પછી ઘરે જઈ તે મેળવેલ જ્ઞાન માટે હોમવર્ક કરતો. આ શૈક્ષણિક પ્રકિયામાં શિક્ષક કે બાળક પાસે ચાલતી પ્રકિયાને અટકાવાવા કે રીપીટ કરવામાટે અન્ય બાળકોની હાજરી ને લીધે મર્યાદા હતી. આ નવા મોડેલમાં અજ્ઞાત વિષય વસ્તુ આકર્ષક વિડીઓ અને તેનું સોફટકોપીમાં સાહિત્યના ફોર્મેટમાં વર્ગમાં જોડાવાના ૪૮ કલાક પહેલા બાળકને મળી જાય છે. બાળક આ ૪૮ કલાકના સમય દરમિયાન પોતાની અનુકુળતાને અને સમજવાની જરૂરિયાત મુજબ વચ્ચે અટકાવી પણ શકે અને પુનરાવર્તન કરીને અભ્યાસ કરે છે અને તે વિષય વસ્તુની ચર્ચા કરવા વધુ જ્ઞાન મેળવવા અને પોતાના ડાઉટ દુર કરવા ઓનલાઈન અથવા સ્કુલ ખુલે ત્યારે રૂબરૂ વર્ગમાં જોડાય છે. વર્ગમાંથી મુકત થઈ પછી રેફરન્સ મટેરિયલનો ઉપયોગ કરી વધુ દ્રઢીકરણ કરે છે. આમ વિષય વસ્તુનું આત્મવિશ્વાસ પૂર્વક પુરતા પ્રમાણમાં પુનરાવર્તન થાય છે. આગાઉની શૈક્ષણિક પ્રકિયા અને આ નવા મોડેલમાં આ મૂળભૂત તફાવત છે.

કોવીડ -૧૯ની આ મહામારીના સમયમાં અમે આ જે શીખ્યા તેને હવે પછી કાયમી ધોરણે અમલી બનાવી રહ્યા છીએ. આ નવીન અભિગમમાં અમોને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદના નિયામક  વિદ્વાન અને આ ક્ષેત્રના અનુભવી ડો. ટી.એસ. જોશીનું માર્ગદર્શન તો મળ્યું અને અમને પ્રોત્સાહિત કરવા અમારા આ પ્રોજેકટનો આરંભ પણ તેમના જ હસ્તે થયો તેમ ડો. હસમુખ મોદી જણાવે છે.

(3:10 pm IST)