Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

સુરતમાં કાળમુખા કોરોનાએ માત્ર ૮ દિ'માં ૧૦૦૦ કેસ વધારી દિધા : લોકોની ઘોર બેદરકારી તો ટેસ્ટ ઓછા હોવાના આક્ષેપો

રાજ્યનો પ્રથમ કેસ સુરત - રાજકોટમાં નોંધાયો હતો : સુરતની ૬૦ લાખની વસતિએ માત્ર ૦.૦૬ ટકા ટેસ્ટ કરાયા !! : જો કે રીકવરી પણ વધી છે : એપ્રિલમાં ૬૫, મે માં ૯૯૮ અને જૂનાગઢમાં ૧૮૯૪ દર્દીઓ સાજા થયા

રાજકોટ તા. ૨ : એક બાજુ અમદાવામાં પોઝિટિવ કેસનો આંક ઘટી રહ્યો છે તો ગુજરાત રાજયમાં સુરત શહેર હવે પોઝિટિવ કેસમાં આગળ વધી રહ્યું છે. ખાસ કરીને શહેરમાં અનલોકમાં પોઝિટિવ કેસ ઝડપથી વધ્યાં છે.

લોકડાઉનમાં શહેરમાં પોઝિટિવ કેસ વધતા હતા પરંતુ અનલોકમાં પોઝિટિવ કેસના આંકમાં સખત ઉછાળો જોવા મળ્યો છે. જેમાં શહેરીજનોની ઘોર બેદરકારી પણ સામે આવી છે. લોકડાઉનમાં શહેરીજનો કોરોનાને ગંભીરતાથી લઈ રહ્યા હતાં જેથી પોઝિટિવ કેસના આંક પણ ધીમી ગતિએ વધી રહ્યા હતાં. પરંતુ અનલોકમાં છૂટછાટ મળતાં જ કોરાનામાં ઉછાળો જોવા મળ્યો છે. અને આ જ રીતે અનલોમાં લોકો કોરોનાને સહજતાથી લેશે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે તેમ છે. શહેરમાં માત્ર જુન જ માસમાં ૩૧૧૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. અને માત્ર જુન મહિનામાં ૧૦૮ મોત નોંધાયા છે.

ગુજરાત રાજયમાં પ્રથમ સુરત તેમજ રાજકોટ શહેરમાં ૧-૧ કેસ પોઝિટિવ કેસ નોંધાયા હતા. તેમજ માર્ચ મહિનાના અંત સુધીમાં શહેરમાં માત્ર ૯ જ પોઝિટિવ કેસ હતા. તેમજ મોતનો આંક પણ માત્ર ૧ જ હતો. અને ૧ વ્યકિત રિકવર થઈ ઘરે પરત ફર્યા હતા. લોકડાઉન થતાં જ સુરતમાં પોઝિટિવ કેસનો આંક ધીમીગતિએ વધી રહ્યો હતો. જયારે અનલોકમાં પોઝિટિવ કેસના આંકમાં ઉછાળો નોંધાયો.

૧૭ માર્ચે સુરતમાં પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો હતો. તેમજ ૧૦૦૦ પોઝિટિવ કેસ ૧૬ મે સુધીમાં નોંધાયા હતા. એટલે કે, પ્રથમ ૧૦૦૦ કેસ ૨ મહિનામાં નોંધાયા હતા. તેમજ ત્યારબાદ ૨૦૦૦ કેસ ૬ જુનના રોજ થયા હતા. એટલે કે, બીજા ૧૦૦૦ કેસ ૨૧ દિવસમાં નોંધાયા હતા. અને ત્યારબાદ ૨૦ જુનના દિવસે શહેરમાં પોઝિટિવ કેસનો આંક ૩૦૦૦ પર પહોંચ્યો હતો. માત્ર ૧૪ દિવસમાં ૧૦૦૦ કેસ વધ્યા હતા. અને ત્યારબાદ ૮ જ દિવસમાં બીજા ૧૦૦૦ કેસ વધ્યા હતા અને ૨૮ જુનના દિવસે શહેરમાં પોઝિટિવ કેસનો આંક ૪૦૦૦ પર પહોંચી ચુકયો

કોરોનાનો આતંક જેમ-જેમ શહેરમાં વધતો ગયો તેમ તેમ તંત્ર પર ઓછા ટેસ્ટ કરવાના આક્ષેપો પણ થતા રહ્યા હતા. અને ટેસલ્ટ ઓછા થવાને કારણે પોઝિટિવ કેસનો આંક ઓછો છે તેવી ચર્ચા પણ ઉઠી હતી. શહેરમાં માર્ચ મહિનાના મધ્યથી કોરોના પોઝિટિવ કેસ આવવાના શરૂ થયા ત્યારે મનપા દ્વારા માર્ચ મહિનામાં માત્ર ૫૫૦ જેટલા ટેસ્ટ કર્યા હતા. અને જુન માસના અંત સુધીમાં કુલ ૩૬,૨૫૦ ટેસ્ટ કર્યા હોવાનું જાણવામાં આવ્યું છે. એટલે કે, સાડા ત્રણ મહિનામાં શહેરની કુલ વસતી ૬૦ લાખ વસતી સામે માત્ર ૩૬,૨૫૦ જ ટેસ્ટ કરાયા છે. એટલે કે, કુલ વસતીના માત્ર ૦.૬ ટકા લોકોના જ ટેસ્ટ કરાયા છે.

સુરતમાં અનલોકમાં એટલે કે, જુન મહિનામાં સૌથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે તો તેની સામે સૌથી વધુ રીકવર પણ જુન માસમાં જ થયા છે. જુન માસમાં કુલ ૧૮૯૪ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. માર્ચ મહિનામાં ૧, એપ્રિલ માસમાં ૬૫, મે માસમાં ૯૯૮ તેમજ જુનમાં ૧૮૯૪ દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધીમાં કુલ ૨૯૫૮ દર્દીઓ સાજા થયા છે. તેમજ જુન માસ સુધીમાં એકટીવ દર્દીઓના સંખ્યા ૧૭૫૫ છે.

(12:56 pm IST)