Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

રાજ્યના બે ડૉક્ટરો કોરોના સામેનો જંગ હારી ગયા

ડૉક્ટર ડેના દિવસે કોરોના સામેનો જંગ હાર્યા : મહામારીમાં તબીબો અને અન્ય મેડિકલ સ્ટાફ કોરોના વોરિયર્સ તરીકે મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

અમદાવાદ, તા. ૧ : ડૉક્ટર ડેનો દિવસ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના નામી ડૉક્ટર ચાપાનેરી તેમજ ભરૂચના તબીબ ડૉ.મયંક પિતલીયા કોવિડ સામે જંગ લડતા હારી ગયા હતા. જેમાં ડૉ.મયંક જોગાનુજોગ આજે જન્મ દિવસ પણ હતો. ડૉ. બી.સી. રોયની યાદમાં પહેલી જુલાઈને ડૉક્ટર્સ ડે તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. કોરોના મહામારીમાં તબીબો અને અન્ય મેડિકલ સ્ટાફ કોરોના વોરિયર્સ તરીકે મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. જેમની યાદમાં આજે ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને દેશભરમાં ૨ મિનિટ મૌન પાળવાનો કાર્યક્રમ યોજાયો હતો.

          આ દરમિયાન આજે સુરેન્દ્રનગર શહેરના ૪૨ વર્ષના નામી ડૉક્ટર ચાપાનેરીએ પહેલા રાજકોટમાં સારવાર લીધી હતી. બાદમાં તબિયત લથડતા અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓ કોરના સામે જંગ લડતા આજે અંતિમ શ્વાસ લીધો હતો. તેમનો પરિવાર કોરનાની ઝપેટમાં આવ્યો હતો. જ્યારે ભરૂચના તબીબ ડૉ.મયંક પિતલીયાની કોવિડની સારવાર વડોદરા ખાતેની હોસ્પિટલમાં ચાલતી હતી. આજે જન્મ દિવસ એજ તેનો મૃત્યુ દિવસ બની ગયો હતો. ડૉક્ટર ડેના દિવસે બંને તબીબોએ કોવિડ સામેનો જંગ હારી જતા તબીબ વર્તુળોમાં શોકની લાગણી ફેલાઈ છે.

(9:21 pm IST)