Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

સાબરકાંઠાઃ હિંમતનગરના કાટવાડમાં વિજ કંપનીએ ૨૬૦ કેળના ઝાડ કાપી નાખ્યાઃ ખેડૂતને નુકશાન થતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

સાબરકાંઠા :ખેડૂતોના હાલ દિવસે દિવસે બેહાલ થતા જાય છે. ત્યારે સાબરાંઠાના એક ખેડૂતની દ્વિધા કંઈક અલગ છે. હાલ તો ઓછા વરસાદના કારણે ખેડૂત એક તરફ દ્વિધામાં છે. તો બીજી તરફ ખેડૂતના તૈયાર પાક વીજ કંપનીએ જમીન દોસ્ત કરી દેતા ખેડૂતની મુશ્કેલીમાં વધારો થયો છે. આખરે ખેડૂતે નુકશાની ભરપાઈ થાય તેને લઈને વીજ કંપની સામે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અરજ કરી છે.

વાત છે હિંમતનગરના કાટવાડ ગામની. જ્યાં હિતેશ પટેલ નામના ખેડૂતે ગત વર્ષે અઢી એકર જમીનમાં 3000 જેટલા કેળાના છોડની વાવણી કરી બાગાયતી ખેતી કરી હતી. ત્યાર બાદ એક વર્ષ સુધી માવજત કરી કેળાના ઝાડ તૈયાર કર્યા હતા. વાવણીથી લઇ અત્યાર સુધી ખેડૂતે લાખ રૂપિયા જેટલો ખર્ચ કરી ચૂક્યા છે અને આખરે હવે ઉત્પાદન મેળવવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યાં તો તૈયાર થયેલ કેળાના ઝાડ વીજ કંપનીએ કાપી નાંખ્યા છે. વીજ કંપનીએ અંદાજે 260 જેટલા તૈયાર ઝાડ જમીન દોસ્ત કરી દેતા મોટું નુકશાન થયું છે, તો ખેડૂતને જાણ કર્યા સિવાય ઝાડ કાપી નાંખ્યા બાદ આજુબાજુના 1૦૦ જેટલા તૈયાર ઝાડને સીધા સુર્યપ્રકાશની ગરમીથી પણ નુકશાન થવા પામ્યું છે. કેળાની લૂમો પણ કાળી પડવા લાગી છે. જેથી ખેડૂતે નુકશાનીની ભરપાઈ માટે હવે પોલીસના દ્વારા ખખડાવ્યા છે.

શા માટે ઝાડ કાપ્યા 

એક તરફ ખેડૂતો માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિવિધ યોજનાઓ થાકી ખેડૂત વર્ગની આવક બમણી કરવાના પ્રયાસો કરી રહી છે. તો બીજી તરફ સરકારનું એક વિભાગ આજે ખેડૂતને નુકસાની તરફ ખેંચી ગયો છે. ખેડૂત હિતેશ પટેલના કેળાના તૈયાર થયેલા ઉભા પાકના ખેતરમાંથી 66 કેવી વીજ લાઈન પસાર થતી હતી. જેથી કેળાના ઝાડ કાપી નાંખવામાં આવ્યા હતા. ખેડૂતે જેટકો વીજ કંપની સામે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અરજી કરતા પોલીસે પણ તપાસ હાથ ધરી છે.

પોલીસે વીજ કંપનીને જાણ કરતા કંપનીના અધિકારીઓ પણ ખેતરમાં તપાસ માટે દોડી આવ્યા હતા અને ખેડૂત સાથે વાટાઘાટો કરી રહી છે. ત્યારે ખેડૂતને વળતર ચૂકવશે કે કેમ એક મોટો સવાલ છે. આમ એક તરફ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખેડૂતોની આવકમાં વધારો કરવાની વાત કરે છે. પરંતુ સરકારના એક વિભાગે ખેડૂતને નુકશાની ખાઈમાં ખેંચી ગયું છે.

(5:05 pm IST)