Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

અમદાવાદની રથયાત્રાઃ મહાનુભાવોના મહાકુંભ સમીઃ અભુતપૂર્વ સુરક્ષાચક્ર

અર્ધ લશ્કરી દળો અને પોલીસના અ-ધ-ધ કાફલા સાથે ગ્રાન્ડ રિહર્સલનો પ્રારંભઃ ગઇકાલે પુર્વ રિહર્સલ થયેલ : અમીતભાઇ શાહ હસ્તે મંદિરમાં અષાઢી બીજે મંગળા આરતીઃ દેશભરના જુનિયર આઇપીએસને મહા બંદોબસ્ત તાલીમ માટે રથયાત્રામાં જોડાયા : દેશના ગૃહમંત્રી હસ્તે અમદાવાદના જગન્નાથ મંદિરમાં આરતી થતી હોય તેવી પ્રથમ અને ઐતિહાસિક ઘટના ઘટશે

રાજકોટ, તા., રઃ અમદાવાદની ઐતિહાસિક રથયાત્રાની ભાવીકો ચાતક નજરે વાટ જોઇ રહયા છે અને આ વખતે ભગવાનનો રજવાડી શણગાર હોવા સાથે શાહી દર્શનનો લાભ મળનાર છે. રથયાત્રાનો પ્રારંભ મંગળા આરતી સાથે થશે. આ આરતી   દેશના ગૃહમંત્રી અમીતભાઇ શાહ હસ્તે થવાની છે. ત્યારે મંદિર પરિસરમાં ભાવીકોની ભીડ ધ્યાને લઇ કંઇ અજુગતુ ન બને તે માટે મંદિર પરિસર આસપાસ પણ અર્ધ લશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે.

રથયાત્રા સંદર્ભે ગઇકાલે પુર્વ રીહર્સલ કરવામાં આવેલ જેમાં અમદાવાદના પોલીસ કમિશ્નર એ.કે.સિંઘ સહિત તમામ જોઇન્ટ પોલીસ કમિશ્નર, એડીશ્નલ પોલીસ કમિશ્નર, રપ,૦૦૦ પોલીસનો કાફલો સામેલ થઇ, નાની-મોટી જે કંઇ અડચણો હતી તે દુર કરવામાં આવી હતી. આજે ગ્રાન્ડ રિહર્સલનો  ભવ્યાતિ ભવ્ય પ્રારંભ કરવામાં આવેલ. સમગ્ર અમદાવાદમાં પોલીસના વિશાળ કાફલા અને અર્ધ લશ્કરી દળોના કાફલાને કારણે તથા રાજયપાલ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સહિતના ટોચના રાજકારણીઓને કારણે મહાનુભાવોના મહાકુંભ જેવી પોલીસે તૈયારીઓને આખરી ઓપ આપવા કમ્મર કસી છે. દેશના વિવિધ રાજયોના જુનીયર કક્ષાના આઇપીએસ અધિકારીઓને મોટા બંદોબસ્તની તાલીમ મળે તે માટે રથયાત્રાના  બંદોબસ્તમાં સામેલ કરવામાં આવ્યા છે. બંદોબસ્તમાં રપ,૦૦૦ ના પોલીસ કાફલા  સાથે ડોગ સ્કવોડ, ઘોડેશ્વર સ્કવોડ તથા ખાસ કરીને બોંબ સ્કવોડ ઉતરી પડયો છે.  બંદોબસ્તમાં રાજયભરમાંથી રથયાત્રા બંદોબસ્તનો અનુભવ ધરાવતા અધિકારીઓ પણ સામેલ કરવામાં આવ્યા છે.

(1:25 pm IST)