Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

શૈલેષ ભટ્ટ સીઆઇડીથી બચવા બીજી વખત 'ભાગેડુ' બન્યા છે

વડોદરાની કંપની સાથે ભુતકાળમાં છેતરપીંડી કરવાના મામલે ફરારી બનેલઃ જેલ રેકોર્ડમાં પણ ખોટુ નામ લખાવ્યાનું આશિષ ભાટીયા ટીમની તપાસમાં ખુલતા ખળભળાટઃ જીજ્ઞેશ મોરડીયાના ફાર્મ હાઉસમાંથી એરગન મળ્યાની ચર્ચાને સીઆઇડી સુત્રોએ સત્તાવાર પુષ્ટી કરી

રાજકોટ, તા., રઃ સમગ્ર ગુજરાતમાં ભારે ચકચારી બનેલ બીટ કોઇન્સ પાર્ટ-રની તપાસ પણ બીટ કોઇન્સ પાર્ટ-૧ની જેમ ખુબ જ રસપ્રદ અને રોજેરોજ નવા વણાંકોવાળી બનવા સાથે કોઇ જાસુસી હિન્દી ફિલ્મ કે સોની ટીવી પરથી પ્રસારીત થતી સીઆઇડી સિરીયલને ટક્કર મારે તેવી બની રહેવા સાથે સીઆઇડી અધિકારીઓએ અને ખાસ કરીને ડીજીપી કક્ષાના સીઆઇડી વડા આશીષ ભાટીયાએ જે રીતે રસપુર્વક ઉંડા ઉતરી  અને પોતાનું ટેકનીકલ જ્ઞાન તથા અનુભવ કામે લગાડયો અને જે રીતે સફળતા મળી રહી છે. તે કાબીલેદાદ હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે તમામ પોલીસ સ્ટાફ જણાવી રહયાનું સુત્રો જણાવે છે.

દરમિયાન સીઆઇડી સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ હાલ લાંબા સમયથી ભાગેડુ બનેલા બીટ કોઇન્સ પાર્ટ-રના મુખ્ય સુત્રધાર એવા શૈલેષ ભટ્ટ ફરારી બન્યાનો આ પ્રથમ બનાવ નથી, શૈલેષ ભટ્ટ થોડા વર્ષો અગાઉ આવા જ પ્રકારના વડોદરાના એક ચીટીંગકેસમાં ભીંસ વધતા સીઆઇડીથી બચવા નાસી છુટેલ તેવું બહાર આવ્યું છે.

સુત્રોમાંથી સાંપડતા વિશેષ નિર્દેશ મુજબ હાલની તપાસ ચલાવતી સીઆઇડીને એવી પણ માહીતી મળી છે કે શૈલેષ ભટ્ટ જેલમાં હોવા છતાં જયારે જેલમાં પુછપરછ થઇ ત્યારે જેલ સતાવાળા દ્વારા આવી કોઇ વ્યકિત જેલમાં ન હોવાની માહીતી આવેલ. જો કે, પાછળથી ખુલાસો થયો કે શૈલેષ ભટ્ટે જેલમાં પણ પોતાનું નામ ખોટુ લખાવ્યું હશે. આવો ચોંકાવનારો ખુલાસો થતા જ ખળભળાટ મચી ગયો છે.

સીઆઇડી સુત્રો બીટ કોઇન્સ-ર અંગે એવો ખુલાસો કરે છે કે બીટ કોઇન્સ પડાવી લેવા માટે ધવલનું અપહરણ કરી બીટ કોઇન્સ તથા કરોડો રૂપીયા પડાવી લેવાના આરોપમાં કુલ ૧૦ શખ્સો હતા. આ મામલે પાંચ ભાગ પડયા હતા. હજુ બીજા પાંચ શખ્સોને સીઆઇડી શોધી રહી છે.

આરોપીઓના રિમાન્ડમાં પણ અદાલતમાં સીઆઇડીએ સત્તાવાર રીતે પણ આજ કારણો રજુ કર્યા છે. હજુ બીજા પાંચ શખ્સો હાથમાં આવતા જ એક પછી એક રહસ્યો ખુલતા જશે.સીઆઇડી દ્વારા અન્ય એક ટીમ મારફત વડોદરા પંથકની જમીનના મામલાની પણ તપાસ ચાલી જ રહી છે. (૪.૭)

રાજકોટની સ્કુલની જમીન સહિત બીજી જમીન ખરીદીની  વિગતોની તપાસ શરૂ

 રાજકોટઃ બીટકોઇન્સ પાર્ટ-રના આરોપી અને બીટ કોઇન્સ પાર્ટ-૧ના ફરીયાદી એવા શૈલેષ ભટ્ટ એન્ડ કંપની દ્વારા બીટકોઇન્સ વેચાણની રકમમાંથી રાજકોટની એક સ્કુલ ખરીદાયાની શંકા સાથોસાથ અન્ય કેટલીક જમીનો ખરીદી હોવાની માહીતી સીઆઇડીને સાંપડયાનું સુત્રો જણાવે છે. જમીનના ઉત્તરોત્તર દસ્તાવેજોની ચકાસણી કરવા રેવન્યુના કેટલાક તજજ્ઞોની પણ સીઆઇડી વડા આશિષ ભાટીયા મદદ લેનાર હોવાનું સુત્રો જણાવે છે.રાજકોટના ભટ્ટ બંધુઓની પુછપરછ તથા સીઆઇડીએ તેની ધરપકડ કરી છેતેવા શૈલેષભટ્ટના વિશેષ રિમાન્ડની માંગણી પાછળ પણ આજ બાબત કારણભૂત હોવાનું પણ ચર્ચાઇ રહયું છે. દરમિયાન જીજ્ઞેશ મોરડીયાના ફાર્મ હાઉસમાંથી રોકડ સાથે સોનુ અને એરગન મળ્યાની ચર્ચાને સીઆઇડી સુત્રોએ સમર્થન આપ્યું છે. આમ સીઆઇડી તપાસમાં પ્રથમ ભાગની માફક બીજા ભાગમાં પણ રસપ્રદ વળાંકો આવી રહયા છે.  (૪.૭)

સીઆઇડીએ કબ્જે કરેલ અ-ધ-ધ સોનુ અને રૂપીયા સાચવવા લોકરની માંગ થઇ

રાજકોટઃ બીટ કોઇન્સ પાર્ટ-રના આરોપીઓને રિમાન્ડ ઉપર લેવા સાથે જેમના ફાર્મ હાઉસમાં ધવલ અને પિયુષને ગોંધી રાખવામાં આવેલા તેવા ફાર્મ હાઉસ માલીક જીજ્ઞેશ મારડીયાના ફાર્મ હાઉસમાંથી પોલીસને કરોડો રૂપીયાનું સોનુ તથા રોકડ રકમ મળવા સાથે એક એરગન પણ મળી છે. હજુ પણ આજ સાંજ સુધીમાં કરોડો રૂપીયાની રોકડ તથા સોનુ મળવાની સીઆઇડીને સંભાવના છે.

સીઆઇડી સુત્રોના કથન મુજબ આટલી મોટી રકમનું સોનુ તથા રોકડ સીઆઇડી હેડ કવાર્ટરમાં કે સીઆઇડીની અન્ય ઓફીસમાં રાખવાનું જોખમ લેવાને બદલે સીઆઇડી વડા આશિષ ભાટીયાએ સોનુ અને રોકડ કરોડોની રકમ સરકારી બેંકના લોકરમાં રાખવા આદેશ કરવા સાથે લોકર મેળવવા પ્રયાસો ચાલે છે. અત્રે એ યાદ રહે કે બીટ કોઇન્સ ટ્રાન્સફરની રોકડ રકમ માટે સ્ટેટ બેંકમાં ખાતુ ખોલાવ્યું છે.

(2:35 pm IST)