Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

રિવરફ્રન્ટ પર બ્રીજ બનાવવાનું મેટ્રો ટ્રેનનું કપરું કાર્ય અંતે શરૂ

રાઇફલ કલબ પાછળ ક્રેનો મશીનરી ખડકાઈ : મેટ્રો ટ્રેન શાહપુર તરફ અંડરગ્રાઉન્ડ કોરિડોરમાં એન્ટ્રી કરશે અને છેક કાલુપુર સુધી અંડરગ્રાઉન્ડ રૂટ પર ચાલશે

અમદાવાદ,તા. ૨ : છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાતી હતી તે,  સાબરમતી રિવરફ્રન્ટ પર બ્રિજ બનાવવાના મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું સૌથી ચેલેન્જિંગ એટલે કે, પડકારજનક કપરૃં કામ આખરે શરૂ થઈ ગયું છે.

રાઇફલ કલબ પાછળ છેલ્લા થોડા દિવસોથી આ પ્રોજેકટના કામ માટે વિશાળ ક્રેનો અને જંગી મશીનો અહીં ખડકી દેવામાં આવ્યા છે. નિષ્ણાત ઇજનેરો સહિતના અધિકારીના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેકટનું કાર્ય ઝડપથી અને શકય એટલું વહેલી તકે પૂર્ણ કરવાનું આયોજન છે.  આ રૂટ પર રાઈફલ ક્લબ નજીકથી મેટ્રો ટ્રેન શાહપુર તરફ અંડરગ્રાઉન્ડ કોરિડોરમાં એન્ટ્રી કરશે અને છેક કાલુપુર સુધી અંડરગ્રાઉન્ડ રૂટ પર ચાલશે. આ પ્રોજેકટની કામગીરી માટે આગામી દિવસોમાં સમગ્ર રૂટની ટનલ ખોદવા માટે મોટું મશીન અહીં લાવવામાં આવશે, જે શાહપુરથી કાલુપુર વચ્ચેની ટનલ બનાવવાનું કામ કરશે. મેટ્રોની કામગીરી સાથે સંકળાયેલા સીનિયર અધિકારીના જણાવ્યા અનુસાર, ડેડલાઈન નજીક આવી રહી છે ત્યારે કામ ઝડપથી પૂરૃં કરવાનું ખૂબ જ દબાણ છે, પરંતુ અમે સ્ટ્રક્ચરલ સેફ્ટી સાથે કોઈ સમાધાન નહીં કરીએ. મેટ્રો રેલ પ્રોજેક્ટના પહેલા ભાગમાં ૪.૩૮ કિલોમીટર લાંબી ટનલ બનાવવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, જે બે સ્ટેશનોને કનેક્ટ કરશે. સાબરમતી નદી પર બ્રીજ અને શાહપુરથી કાલુપુર વચ્ચેની ટનલ બનાવવાનું કામ સાથે જ શરૂ થશે. બીજીબાજુ, વસ્ત્રાલથી થલતેજ સુધીના ઈસ્ટ વેસ્ટ મેટ્રો કોરિડોરમાં શાહપુરથી થલતેજ સુધીના એલિવેટેડ કોરીડોર પર હાલ ધમધોકાર કામ ચાલી રહ્યું છે. આ કોરિડોરનો કેટલોક ભાગ સાબરમતી નદીના પટમાંથી પણ પસાર થઈ રહ્યો છે. જેમાં ૮૦૦ મીટર લાંબા નદીના પટમાં બ્રિજ બનાવાઈ રહ્યો છે. નદીમાં કુલ સાત પિલર ઉભા કરાશે, અને ૩૦ ફુટ ઉંડે સુધી પિલર નાખવામાં આવશે. સમગ્ર પ્રોજેકટમાં સલામતી અને સુરક્ષાના તમામ પાસાઓને ગંભીરતાથી ધ્યાને લેવામાં આવ્યા છે અને તે પ્રમાણેની કામગીરી હાથ ધરાઇ રહી હોવાનો પણ મેટ્રો પ્રોજેકટના સત્તાધીશોએ દાવો કર્યો હતો.

(8:36 pm IST)