Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ડાકોર રોડ પર ટ્રક્નું ટાયર ફાટતા ચાલકે કાબુ ગુમાવતા એકનું મોત: ચારને ગંભીર ઇજા

ડાકોર:ના ઠાસરા રોડ ઉપર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ડાકોર તરફ આવતી ટ્રકનું એકાએક ટાયર ફાટતા ટ્રક ચાલકે કાબુ ગુમાવ્યો હતો. આ બાદ આ ટ્રક સામેથી આવતા એક ડમ્પર ટ્રક તથા છોટાહાથી વાહન સાથે ધડાકાભેર અથડાઈ પડી હતી. આ અકસ્માતમાં ડમ્પર ટ્રક તથા છોટાહાથી વાહન રોડની સાઈડના ખાડામાં જઈ ચઢ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે ચાર જેટલા લોકો ઘવાયા છે. આ અંગે ડાકોર પોલીસે ફેટલ અકસ્માતની નોંધ કરી છે. ડાકોર-ઠાસરા રોડ ઉપર આવેલ રખીયાલ પીકઅપ સ્ટેન્ડ પાસે મંગળવારની વહેલી સવારે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ડાકોર તરફ કપચી ભરીને જતી ટ્રક નં.જી.જે.૯ વાય.૪૫૧૩નું એકાએક આગળનું ટાયર ફાટયું હતું. આ બાદ આ ટ્રકના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા સામેથી આવતા ડમ્પર ટ્રક નં.જી.જે.૭ વાય.ઝેડ.૧૫૦૭ તથા છોટાહાથી વાહન નં.જી.જે.૭ યુ.યુ.૬૮૧૬ની સાથે ધડાકાભેર અથડાઈ પડી હતી. આ અકસ્માત બાદ ડમ્પર ટ્રક અને છોટાહાથી રોડની સાઈડના ખાડામાં જઈ પડયુ હતું.ઉપરાંત છોટાહાથી વાહન પલ્ટી ખાઈ જતાં તેનો લોચો વળી ગયો હતો. આ ઘટનામાં વિક્રમસિંહ ભીખાભાઈ ઝાલા (રહે.સુખીની મુવાડી)નું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.
 

(5:35 pm IST)