Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

કપડવંજના જામાજીના મુવાડામાં દુકાનમાંથી ખરીદી કરી ઘરે પરત ફરતી મહિલાની એકલતાનો લાભ ઉઠાવતા ચકચાર

કપડવંજ:તાલુકાના જામાજીના મુવાડામાં દુકાનમાંથી ખરીદી કરી ધરે જતી મહિલાનો એકલતાનો લાભ ઉઠાવી છેડતીનો પ્રયાસ કર્યાના બનાવે ભારે ચકચાર મચાવી છે. આ બનાવ અંગે બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવતા કપડવંજ રૂરલ પોલીસે આઠ ઈસમો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ જામાજીના મુવાડામાં રહેતા શિલ્પાબેન પ્રવિણભાઈ વાળંદ ગઈકાલે રાત્રે દુકાનમાંથી ખરીદી કરી ઘરે જતી હતી. ત્યારે રામાભાઈ ડાહ્યાભાઈ ઝાલા સામેથી મોટરસાયકલ લઈને આવ્યો હોવાથી શિલ્પાબેન રસ્તાની બાજુમાં ઉભા રહ્યા હતા. ત્યારે મહિલાની એકલતાનો લાભ ઉઠાવી રામાભાઈ ઝાલાએ ચાલ મારી બાઈક પાછળ બેસી જા કહી બદઈરાદો રાખી છેડતીનો પ્રયાસ કર્યો હતો. જેથી મહિલાએ ગાળો ભાંડતા ઉપરાણું લેવા દોડી આવેલ દિનેશભાઈ રામાભાઈએ લાકડીથી માર માર્યો હતો. જ્યારે સેજલબેન રામાભાઈ ઝાલા તથા જલ્પેશ જીતેન્દ્ર શર્માએ શિલ્પાબેનના વાળ પકડી ગડદાપાટુનો માર માર્યો હતો. આ ઝઘડો થતાં છોડાવવા દોડી આવેલા પ્રવિણભાઈ ચીમનભાઈ વાળંદને દિનેશભાઈ ઝાલાએ લાકડીની ઝાપોટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે શિલ્પાબેન પ્રવિણભાઈ વાળંદની ફરિયાદ આધારે કપડવંજ રૂરલ પોલીસે રામાભાઈ ડાહ્યાભાઈ, દિનેશભાઈ રામાભાઈ, સેજલબેન રામાભાઈ ઝાલા તથા જલ્પેશ જીતેન્દ્ર શર્મા સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે સામા પક્ષે દિનેશ રામાભાઈ ઝાલાએ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે દિનેશભાઈ પોતાની મોટરસાયકલ લઈને જલ્પેશભાઈને બાઈક ઉપર બેસાડી દૂધ મંડળીએ દૂધ ભરવા જતા હતા. ત્યારે પ્રવિણભાઈ ચીમનભાઈ તથા શિલ્પાબેન પ્રવિણભાઈ સામેથી આવતા હતા. જેથી દિનેશભાઈએ સાવચેતીપૂર્વક મોટરસાયકલ આગળ કાઢી હતી. ત્યારે શિલ્પાબેને દિનેશભાઈને ગાળો બોલી ઝઘડો કર્યો હતો. આ ઝઘડામાં કાળીદાસ બબાભાઈ વાળંદ તથા સાવિત્રીબેને ઉપરાણું લઈ દિનેશભાઈ સાથે ઝઘડો કરી તે આરટીઆઈની માહિતી કેમ માંગી હતી કહી ગમેતેમ ગાળો બોલી ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે દિનેશભાઈ ઝાલાની ફરિયાદ આધારે કપડવંજ રૂરલ પોલીસે પ્રવિણભાઈ ચીમનભાઈ, શિલ્પાબેન પ્રવિણભાઈ, કાળીદાસ બબાભાઈ તથા સાવિત્રીબેન કાળીદાસ વાળંદ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:31 pm IST)