Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

જળદેવતાની આરાધનાનો સમય હો... પાણીને પાણીની જેમ વાપરવાનુ બંધ કરવુ પડશે

૨૦૩૮ સુધીમાં ભારતમાં ૬૦ ટકા ભુગર્ભ જળભંડાર સમાપ્ત થઇ જવાની ભીતિ

રાજકોટ : તા. ૧લી મે૨૦૧૮ના રોજ ગુજરાત સરકાર આયોજીત 'સુજલામ સુફલામ જળસંંગ્રહ અભિયાન 'નું ઉદઘાટન કરવા જુનાગઢ જવાનુ હોવાથી વિચારતો હતો કે આવતીકાલે શું સંબોધન કરીશ ? આ સમયે અસંખ્ય વિચારો મારા મનમાં ઉમટેલા.

આ સમયે મારા મનમાં એક કહેવત સતત રમ્યા કરતી હતી 'તરસ લાગે ત્યારે કુવો ખોદવા ના બેસાય.'  કહેવત કાંઇ અમથી નહી પડી હોય ! આ કહેવતમાં આપણા પૂર્વજોની કોઠાસુઝ  સમાયેલી છે. કહેવતનો સિધો મતલબ એ થાય છેકે આપણે દરેક બાબતે આગોતરૂ આયોજન કરવુ જોઇએ. મને એ વાતનો આનંદ છે કે ગુજરાત સરકારે આ કહેવતને પહેલેથી જ પીછાણીને જ જળદેવતાની આરાધના અલગ રીતે કરવાનુ નક્કર આયોજન કરી રાખ્યુ છે.

લોકજીવન અને ફિલોસોફીના પારિવારીક સ્વરૂપે આપણી કહેવતોમાં પાણીનો અનેરો મહિમા ગવાયો છે. 'જળ એ જ જીવન', જળ છે તો જીવન છે' અને ' વાણી અને પાણી સાચવીને વાપરીએ' વિગેરે કહેવતો દ્વારા પાણી  એટલે જીવન એ વાત આપણે સદીઓથી સ્વીકારતા આવ્યા છીએ. આપણો દેશ મોસમી પવનોના પ્રદેશ તરીકે જાણીતો છે. મોસમી પ્રકારની આબોહવાના કારણે આપણે ત્યાં ચોમાસાના ત્રણેક મહિના અનિયમિત વરસાદ પડે છે. વળી ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ચોમાસામાં વરસાદનું પાણી તળ ભુમિના રકાબી જેવા આકારના કારણે ખુબ ઝડપથી  દરિયામાં વહી જાય છે. આ પાણીને રોકી એનો  વિવેકપુર્વક સંગ્રહ કરવો તથા વિવેકપૂર્વક ઉપયોગ કરવો એ આવનારી પેઢીઓ માટે આપણી માનવીય ફરજ છે.

આ અભિયાન પ્રસંગે મને અમુક એવા મુઠ્ઠી ઉંચેરા માનવીઓ યાદ આવે છે , જેણે જળસંગ્રહ માટે પોતાનું જીવન સમર્પિત કર્યુ  હોય. મારે ગુજરાતના એવા લોકોને યાદ કરવા છે જેમણે જળસંગ્રહ માટે નવો રાહ ચીંધ્યો હોય.

પદ્મશ્રી મથુરભાઇ સવાણીએ આશરે ૨  દાયકા પુર્વે સૌરાષ્ટ્ર જલધારા સમિતીની રચના કરી વરસાદી પાણી ચેકડેમોમાં રોકવાનુ  લોકઆંદોલન ઉભુ કરેલ. જે બાદમાં સ્વયંભુ  જનઆંદોલન બની ગયેલ.

તાજેતરમાં બિહારની સત્ય ઘટના આધારિત બનેલ ફિલ્મ 'માંઝી - માઉન્ટેન' યાદ અપાવી જાય  એવો કિસ્સો  અમરેલી જીલ્લાના ધારી તાલુકાના કાગદડી ગામમાં બને છે. અરજણભાઇ ઠેસિયાએ પાણીની અછત જોઇ નક્કી કર્યુ કે હુ પણ  તળાવ ખોદીશ અને પછી ચાલુ થયો  એમનો શ્રમયજ્ઞ. પોતાના ગામમાં મોટી ઉમરે અરજણબાપાએ એકલા હાથે વર્ષો સુધી ઉનાળામાં જ્યારે તળાવનું પાણી સુકાઇ જાય ત્યારે જાત મહેનત ખોદવાનું અભિયાન આદર્યુ. અરજણબાપાએ ખોદેલુ ૧૨ ફુટ ઉંડુ તળાવ  ચોમાસામાં આજે જ્યારે પાણીથી છલકાય છે ત્યારે ગામ લોકોની સાથે પશુ- પંખી પણ રાજી થાય છે. વંદન છે આવા વિરલ વ્યકિતને.

અમરેલીના આંકડીયા ગામનો એક યુવાન આર્થિક ભીંસના કારણે અભ્યાસની સાથે છાપા વેંચવાનુ પણ કામ કરે છે નવરાશના સમયે સાયકલ આગળ કપડાની થેલી ટીંગાળીને ગામમાં ફરે છે. આ થેલીમાં તે એક રંગની ડબ્બી અને એક પીંછી રાખે છે. ઘરે ઘરે જઇને એ પુછે છે આપના પાણીયારા પર એક સુત્ર લખવા દેશો? ઘરધણી હા પાડે એટલે તરત જ  લખાઇ જાય  વાણી અને પાણી સમજીને વાપરીએ. ઉદયભાઇ નામની આ વ્યકતી કુંકાવાવમાં શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર પામીને શિક્ષકત્વથી સમાજને સુવાસિત કરી રહ્યો છે. સલામ છે ઉદયભાઇ જેવા હજારો લોકોને જેણે જળ બચાવવા કામ કર્યુ છે.

 તાજેતરમાં ગુજરાતમાં એક વિરલ ઘટના બની છે. જુનાગઢ જિલ્લાના  ભેંસાણ તાલુકાના દિલીપભાઇ સાવલીયા , કિશોરભાઇ સાવલીયા  અને ધીરૂભાઇ શેલડીયાના માતાશ્રીઓનું નિધન થાય છે. આ ત્રણેય પરિવારો નક્કી કરે છે કે પાણીઢોળની વિધીમાં લાખ લાખ રૂપિયા જેવી માતબર  રકમ વાપરવા કરતા જળસંચય  અભિયાનમાં આ રકમ આપી દેવી . આ પરિવારોની ત્રણ લાખ રૂપિયાની રકમ જળસંચય અભિયાનમાં વાપરશે. પાણી ઢોળવા કરતા પાણી બચાવવાની એમની આ પવિત્ર ભાવનાને શત શત વંદન.

પાણીના બચાવ માટે ગાંધીજીએ આપેલ માર્ગદર્શન પણ ચિરકાલીન છે ગાંધીજી અઠવાડીયે એકવાર ઉપવાસ રાખતા  અને એ દિવસ નિયત હતો. ગાંધીજીએ એકવાર અન્ય દિવસે પણ ઉપવાસ રાખ્યો તો આશ્રમના અંતેવાસીએ પૂછ્યુ કે  બાપુ આપ આ દિવસે ઉપવાસ નથી રાખતા તો આજે કેમ રાખ્યો? ગાંધીજીનો જવાબ હતો 'આજે મહાદેવભાઇ બે ડોલ પાણીથી ન્હાયા એટલે મે ઉપવાસ રખ્યો છે'  મહાદેવભાઇએ દલીલ કરી કે ' બાપુ આશ્રમની  સામે જ આવડી મોટી સાબરમતી બે કાંઠે વહે છે  અને તમે કેમ આમ કરો છો ?' બાપુનો જવાબ હતો. જો બધા જ લોકો આમ વિચારીને બે ડોલથી ન્હાવાનું ચાલુ કરશોને તો સાબરમતી સુકાઇ જશે. બાપુ સવારે ઉઠી દાંતણ કરવા એક લોટા પાણીનો જ ઉપયોગ કરતા હતા.

આપણી આધુનિક જીવનશૈલીના કારણે જે રીતે પાણીનો દુર્વ્યય થઇ રહયો છે એ જોતા વર્ષ ર૦રપ સુધીમાં દુનિયામાં ૧૮૦ કરોડ લોકોની વસ્તી એવી હશે જેમના માટે પાણી સાવ ખલાસ થઇ ગયું હશે. ભારતમાં જે ઝડપથી ભુગર્ભ જળ ખેંચાઇ રહયું છે એ જોતા વર્ષ ર૦૩૮ સુધીમાં ભારતના ૬૦ ટકા ભુગર્ભ જળભંડાર સમાપ્ત થઇ ગયા હશે માટે હવે જળદેવતાની આરાધના કરવાનો સમય આવી ગયો છે.

રાજસ્થાનમાં એક  સમાજ છે બિશ્નોઇ આ સમાજ વીસ વત્તા નવ એમ કુલ ઓગણત્રીસ વ્રત પાળે છે. જેના લીધે એ બિશ્નોઇ તરીકે ઓળખાય છે. આ સમાજ પ્રકૃતિને બચાવવા માટે મોટાભાગના નિયમો પાળે છે. ચિપકો આંદોલનમાં સેંકડો લોકોએ વૃક્ષ બચાવવા પ્રાણ આપેલ જે બિશ્નોઇ સમાજના હતા.

અને છેલ્લે પાણી બચાવોના મેસેજ સોશ્યલ મીડીયામાં ફેલાવીને આપણું કર્તવ્ય પુરૂ થયું એમ સમજી લેવાને બદલે આપણે પાણી બચાવવાના કાર્યમાં લાગી જઇએ તો આવનારી પેઢી યુગો સુધી આપણા ગુણલા ગાશે. 'જળ શ્રીકૃષ્ણ'.

શ્રી મનસુખ માંડવીયા,

કેન્દ્રીય મંત્રીશ્રી,

નવી દિલ્હી,

મો. ૯૪ર૬ર ૧૧૬૭૦.

(2:42 pm IST)