Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

રાષ્ટ્રીય દરજ્જો આપવાની માંગ સાથે સરદાર પટેલના ગામ કરમસદ સજ્જડ બંધ :રેલી યોજાઈ:કોંગ્રેસનો ટેકો

કરમસદને નેશનલ વિલેજ જાહેર કરવામાં નહી આવે ત્યાં સુધી ઉપવાસ આંદોલનની ચીમકી

કરમસદ :કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવાની માંગ સાથે આજે કરમસદ સજ્જડ બંધ રહયું હતું છેલ્લા ઘણાં સમયથી કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવા માટે કેન્દ્ર અને રાજ્યમાં રજુઆત કરવામા આવી છે પરંતુ સરદાર પટેલના મુદ્દે કાંઇ જવાબ આપતા આજરોજ મંગળવારે કરમસદ બંધનું એલાન આપ્યું હતું

   ગઈકાલે સરદાર પટેલના નિવાસસ્થાનથી વિશાળ સંખ્યામાં રેલી સ્વરૂપે નીકળી ગ્રામજનોએ બસ સ્ટેન્ડ પાસે લોહપુરૂષની પ્રતિમા સમક્ષ અચોક્કસ મુદતના આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. જોકે ઉપવાસ આંદોલનને સરદાર પટેલ પરિવારના મોભી અને તેઓના પૌત્ર ભુપેન્દ્રભાઇ પટેલ, રમેશભાઇ ઉર્ફે લામ્હાએ સમર્થન પુરૂ પાડી સરકારની નીતિરીતિની આકરી ઝાટકણી કાઢી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

  સોમવારે સરદાર પટેલના નિવાસસ્થાનેથી કરમસદ સંતરામ મંદિરના મોરારીબાપુ અને બાપેશ્વર મહાદેવના જયરામગીરી મહારાજની ઉપસ્થિતીમાં રેલી યોજાઇ હતી. સરદાર પટેલ હિતરક્ષક સમિતીએ એવી ચિમકી ઉચ્ચારી હતી કે, જયાં સુધી કરમસદને નેશનલ વિલેજ જાહેર કરવામાં નહી આવે ત્યાં સુધી ઉપવાસ આંદોલન જારી રહેશે. આંદોલનમાં માત્ર કરમસદના નહીં, આસપાસના ગામડાઓના લોકો પણ જોડાયાં છે.

   મામલે રાજદ્રોહ કેસ મામલે સુરત કોર્ટમાં હાજરી આપવા આવેલા હાર્દિક પટેલે નિવેદન આપતા કહ્યું કે, ‘કરમસદ સરદારની કર્મ ભૂમિ છે. તેથી તેની યાદીમાં અહીંયા મકાન બનવું જોઈએ.’

ગામના લોકોનો દાવો છે કે 2002માં નરેન્દ્ર મોદીએ કરમસદને નેશનલ લેવલે ઓળખ અપાવવાનું વચન આપ્યું હતું. પરંતુ હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
 
કરમસદને રાષ્ટ્રીય ગામ જાહેર કરવાનો મામલો 1995થી ચાલ્યો આવે છે. 1995માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર સમયે પોરબંદરની સાથે સાથે કરમસદને પણ નેશનલ વિલેજ જાહેર કરવા કરવા પ્રપોઝલ મોકલવામાં આવ્યું હતું. પરંતુ તે સયમની સરકારે માત્ર પોરબંદરની માગ માન્ય રાખી હતી.

(4:36 pm IST)