Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

વડાપ્રધાન મોદીની દૂરંદેશી અને ત્વરિત અસરકારક નિર્ણયોને લીધે મોટી જાનહાની ટળી : સી,આર, પાટીલ

રસીકરણના મહાઅભિયાનમાં જોતરાઇને લોકોના ડરને દૂર કરીને લોકોને સજાગ કરવા લાગી જવા કાર્યકર્તાઓને આહ્વવાન કર્યું

ગાંધીનગરઃ દેશમાં કોરોના પર કાબુ વડાપ્રધાન મોદીના દૂરંદેશીપણા અને ત્વરિત નિર્ણય લેવાની શક્તિને કારણે આવ્યો હોવાનો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે દાવો કર્યો છે. પાટીલે જણાવ્યું કે કોરોનાએ સમગ્ર દેશ અને દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દૂરંદેશી અને ત્વરિત અસરકારક નિર્ણયોના કારણે મોટી જાનહાનિમાંથી આપણે બચી શક્યા છીએ.

 વિશ્વના વિકસિત અને સમુધ્ધ દેશોમાં મુત્યુનું દર જોઇએ તો ધ્રુજી જવાય તેવું છે. દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી તથા ગુજરાતમાં મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની કોરોનાને ડામવાની કાર્ય પધ્ધતના કારણે કોરોનાને નિયંત્રિત કરી શકયા છીએ એ એક ખૂબ મોટી બાબત છે

 

સીઆર પાટીલે વધુમાં પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપના સંગઠન અને કાર્યકર્તા એક સાથે સતત પ્રયત્નશીલ રહી શરૂઆતના સમયમાં દેશ અને રાજયના તમામ નાગરિકોની પડખે ઊભા રહી ફુડ પેકેટની વ્યવસ્થા કરવાથી માંડીને હોસ્પિટલમાં દાખલ કરવાના હોય કે, દવાની સગવડ કરવાની હોય કે પછી પરપ્રાંતિયોને પોતાના વતને પહોંચાડવાની કામગીરી હોય સતત લોકો વચ્ચે રહીને લોકોની સેવા કરી છે. મુત્યુનો ડર હોવા છતાં પણ ભાજપના કાર્યકર્તાઓએ જે સેવાકીય ધૂણી ધખાવી છે તે અભિનંદનને પાત્ર છે.

તેમણે રાજય સરકાર દ્રારા અને ભાજપના સંગઠન અને કાર્યકર્તાઓ દ્રારા કોરોના મહારસીકરણ અભિયાન અંતર્ગત કરેલી કામગીરીની વિગતો આપતાં જણાવ્યું કે, ગુજરાતમાં રસીકરણ માટે 4500 જેટલા સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં 2523 જેટલાં હેલ્પડેસ્ટ કાર્યરત છે. અને 1,86,967 ભાજપના કાર્યકર્તાઓ સેવામાં છે. ભાજપની પેજ કમિટી અને પેજ પ્રમુખો માત્ર રાજકીય વ્યવસ્થા કે ચુંટણીલક્ષી કાર્યો માટે જ નહીં પરંતુ સામાજિક વ્યવસ્થામાં ઉપયોગી કાર્યો કરી સમાજ જીવન સાથે ઊભા છે.

 

પાટીલે વધુમાં કહ્યું કે, 31 માર્ચ સુધીમાં ગુજરાતમાં 50,24,412 નાગરિકોને કોરોના રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. 6,75,762 નાગરિકોને રસીનો બીજો ડોઝ પણ આપવામાં આવ્યો છે. આમ અત્યારસુધી 5700174 રસીના ફુલ ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતની વસ્તીના પ્રમાણમાં જોઇએ તો કુલ વસ્તીના 17 ટકા નાગરિકોનું રસીકરણ થયું છે.

રસીકરણની વય મર્યાદા કે જે 60 વર્ષથી ઉપરની હતી તે મુજબ જોવા જઇએ તો 82 ટકા જેટલું રસીકરણ કરવામાં આવ્યું છે. 1લી એપ્રિલના રોજ સરકારની નવી વયમર્યાદા 45 વર્ષથી ઉપરની ઉંમરના નાગરિકોને રસી આપવાની શરૂ કરવામાં આવી છે. તે અંતર્ગત ગઇકાલે રાજયમાં 3 લાખ 69 હજાર જેટલાં લોકોને રસી આપવામાં આવી છે. આમ જોવા જઇએ તો કુલ 61 લાખ લોકોને ગુજરાતમાં રસી આપવામાં આવી છે

તેમણે વધુમાં જણાવ્યું કે, ગઇકાલે વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થયું છે. એટલે આજથી જ તમામ ધારાસભ્યો પોતપોતાના મત વિસ્તારમાં રસીકરણ માટેનું કેમ્પેઇન હાથ ધરી રહ્યાં છે. સુરત ખાતે ગઇકાલે 36 હજાર લોકોને રસી આપવામાં આવી અને હવેનુ લક્ષ્યાંક 50 હજારથી વધુ લોકોને રસી આપવાનું છે. આગામી તા.4થી એપ્રિલ રવિવારના રોજ અમરેલી અને મહુવા ખાતે 5-5 હજાર વેકસિન ડોઝ આપવાની વ્યવસ્થા તેમની ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવશે. આમ સમગ્ર રાજયમાં સરકાર અને ભાજપ સંગઠન થકી મહારસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.

તેમણે કહ્યું ક, રાજયના તમામ જિલ્લા મહાનગરોમાં રસીકરણની કાર્યવાહી ખૂબ જ સારી રીતે ચાલી રહી છે. આપેલ ટાર્ગેટ સામેનું પરિણામ ખૂબ સારું છે. જિલ્લાઓની કામગીરીને ટકાવારીમાં જોઇએ તો 51થી 75 ટકાનું પરિણામ 16 જિલ્લા મહાનગર તેમ જ 76થી 100 ટકાનું પરિણામ 15 જિલ્લા મહાનગરો દ્રારા ટાર્ગેટ પૂર્ણ કરી પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી છે. રસીકરણના આ મહાઅભિયાનમાં જોતરાઇને લોકોના ડરને દૂર કરીને લોકોને સજાગ કરવા લાગી જવા કાર્યકર્તાઓને આહ્વવાન કર્યું છે.

(8:58 pm IST)