Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

સુરતમાં પોલીસ કમિશ્નરથી લઇ પોલીસમેન સુધીનો સ્ટાફ મજુરો-શ્રમીકોને જાતે ભોજન પીરસવાનું પુણ્યકાર્ય કરે છેઃ ખાખીનું નવુ સ્વરૂપ

લોકડાઉન દરમિયાન કડકાઇથી અમલ ભલે થતો હોય કરડા ચહેરા પાછળ માનવતાનું અદ્રશ્ય રૂપ પણ લોકોએ પ્રથમ વખત જોયું

રાજકોટ, તા., રઃ ૬૦ થી ૬પ લાખની વસ્તી ધરાવતા સુરત શહેરમાં પાંડેસરા વિસ્તારની વાત કરીએ તો અહી બિહાર, ઉતરપ્રદેશ અને મહારાષ્ટ્ર સહીતના પરપ્રાંતી શ્રમીકોની મોટી વસ્તી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના વિવિધ નાના સેન્ટરના લોકો ટેક્ષટાઇલ સહીતના ઉદ્યોગોમાં કામ કરે છે.  એક તબક્કે રહેવા, જમવા અને પાણીની સુવિધાના અભાવે હિજરત જેવી સ્થિતિ સર્જાયેલ. પોલીસ તંત્ર, મ્યુનિસીપલ તંત્ર અને કલેકટર તંત્રએ અથાગ જહેમત ઉઠાવી  તમામ જરૂરીયાતો પુરી પાડવા સાથે આવા શ્રમીકોને ભાડાનો પ્રશ્ન ન રહે, પુરતી રહેઠાણ સુવિધા મળે, ભોજન મળે, પાણી મળે અને સાથોસાથ સમજાવટ કરી કોરોના વાયરસ જેવી સ્થિતિમાં પોતાના જાનના જોખમ સાથે અન્યોના જીવ પરના જોખમો અટકાવ્યા હતા.

સુરતના પોલીસ કમિશ્નર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ ટીમ દ્વારા કારખાનેદારો અને ઓરડીઓના મકાન માલીકને સમજાવવા સાથે મજુરોને તાત્કાલીક રોકડ રકમ મળે તેવી વ્યવસ્થા કરવા સાથે સુરતના પ્રત્યેક શ્રમીક વિસ્તારમાં જઇ તેઓને આરોગ્યપ્રદ ભોજન મળે તે માટે વિવિધ વિસ્તારોમાં ક્રમશઃ જઇ કાયદો વ્યવસ્થા સાથે જાતે પીરસવાનું ઉમદા કાર્ય ચાલી રહયું છે. જેની નોંધ ગાંધીનગર સુધી લેવાઇ છે. આ સેવા કાર્યમાં પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટ,  જોઇન્ટ પોલીસ કમિશ્નર ડી.એન.પટેલ તથા એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર. મુલીયાણા, ડીસીપી પી.એન.બારોટ, ડીસીપી  વિધિ ચૌધરી, એસીપી સી.કે.પટેલ તથા જય.કે.પંડયા (રાજકોટ) તથા પોલીસ ઇન્સ્પેકટર શ્રી ગુર્જર તથા શ્રી મકવાણા નાના-મોટા તમામ પોલીસ સ્ટાફ શ્રમીકોને જાતે પીરસી અને પોતે પણ સદકાર્યના સંતોષનો ઓડકાર લઇ રહયા છે.

(12:25 pm IST)