Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

ફકત ફ્રુટ પર જીવતી કેન્સર પીડીત આસામની મહિલા માટે ફ્રુટની વ્યવસ્થા ગુજરાત બેઠા-બેઠા ગોઠવી આપી

આસામની મહિલાએ ફેસબુક પર મુકેલી પોસ્ટ આધારે ખેડા એસપી દિવ્ય મિશ્રાએ દિવ્યતાના દર્શન કરાવ્યા : સિનીયર સીટીઝનો-એકલા રહેતા મહિલાઓને મદદરૂપ બનતા આઇપીએસ અધિકારીની ચર્ચા ગુજરાતના સીમાડા વટાવી ગઇ

રાજકોટ, તા., ૨: કોરોના વાયરસની ગંભીર સ્થિતિમાં સિનીયર સીટીઝનો ઉપર વધુ ખતરો હોવાનુ઼ સુપરે સમજતા અને પોલીસીંગ સાથે સામાજીક કાર્ય ખુબ જ જરૂરી હોવાનો જીવન મંત્ર બનાવનાર ખેડાના  એસપી દિવ્ય મિશ્રા દ્વારા ચાલતા સુભાશિષ પ્રોજેકટની નોંધ માત્ર ખેડા જીલ્લા પુરતી સીમીત રહેવાને બદલે અમેરીકા અને આસામ સુધી પહોંચતા તેમાથી પ્રેરણા લઇ અનેકે આ દિશામાં પહેલ કરી છે.

આસામ રાજયના એક નાના સેન્ટરમાં  સંગીતાબેન નામના એક મહિલા કે જેઓ કેન્સરગ્રસ્ત છે. તેઓ એકલા જ રહે છે. તેઓ ખોરાકમાં ફકત ફ્રુટ જ લઇ જીવન ગુજારે છે.  ગમે તે બન્યુ ફ્રુટ મળવુ બંધ થયું, યોગાનુયોગ  દિવ્ય મીશ્રાના માતા-પિતા સાથે ઉકત મહિલા ફેસબુક ફ્રેન્ડ હોવાથી અને તેમના પુત્ર આવા સત્કાર્યમાં આગળ હોવાથી ફેસબુક પર મેસેજ મોકલી મદદરૂપ થવા વિનંતી કરી એસપી દિવ્ય મિશ્રાએ આસામ રાજયના પોતાના એક બેચમેટને સમગ્ર પરિસ્થતિથી વાકેફ કરી એ મહિલાને ફ્રુટની કોઇ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા ગુજરાત બેઠા-બેઠા કરાવી આપી હતી.

અકિલા સાથેની વાતચીતમાં ખેડા એસપી  દિવ્ય મિશ્રા કહે છે કે આ તો મેં માત્ર નાનકડી  ફરજ અદા કરી મુશ્કેલી સમયમાં એક-બીજાને મદદરૂપ થવું તે જ સાચી માનવતા છે. એકલા રહેતા સીટીઝન ઉપરાંત ગંભીર  બિમારીથી પીડાતી મહિલા દર્દીઓને ઘેર બેઠા દવા, ખોરાકની મદદ મળી રહે તેવા આશયથી શુભાશિષ પ્રોજેકટ પ્રારંભ કર્યો છે. આ પ્રોજેકટ ખેડા જીલ્લા પુરતો જ મર્યાદીત છે. એકલી રહેતી મહિલાઓને તેમના ઘેર જઇ કરીયાણુ પોલીસ સ્ટાફ દ્વારા આપવામાં આવે છે. સિનીયર સીટીઝનો  અને બિમારીથી પીડાતી મહિલાઓ અને એકલા પરીવાર વગર રહેતા મહિલાઓ દ્વારા ખેડા એસપી તથા પોલીસ સ્ટાફ પર આશીર્વાદ વરસાવી રહેલ છે.

સોશ્યલ ડીસ્ટેન્સીંગ માટે દુકાનો નજીક એક-એક મીટરના અંતરના ચોકઠા બનાવવાનો પ્રારંભીક વિચાર જે અધિકારીઓને આવેલ તેમાં દિવ્ય મિશ્રા પણ મોખરે હતા તેવું ખેડા જીલ્લાનો પોલીસ સ્ટાફ ગર્વથી જણાવતો હોય છે.

(12:23 pm IST)