Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

વડોદરામાં શ્રીલંકાથી આવેલા કોરોના દર્દીનું મોત : ગુજરાતમાં કુલ ૭ના મોત

રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો ૮૫ પર પહોંચી ગયો

વડોદરા તા. ૨ : ગુરૂવારે વહેલી સવારે વડોદરામાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત થયું છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના વાયરસથી મરનારા લોકોનો આંકડો ૭ પર પહોંચી ગયો છે. શ્રીલંકાથી આવેલા આ દર્દીએ કોરોના સામે લાંબી લડત આપી હતી. જેના બાદ આ ઉંમરલાયક દર્દીનું મોત નિપજયું છે. શ્રીલંકાથી આવેલ આ વૃદ્ઘને કારણે તેમના પરિવારના ચાર લોકોને કોરોનાના ચેપ લાગ્યો હતો. હાલ આ ચારેય લોકો આઈસોલેશનમાં સારવાર હેઠળ છે. જોકે, પુત્ર અને પુત્રવધૂનો રિપોર્ટ પહેલા પોઝિટિવ આવ્યો હતો અને અને બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

વડોદરામાં કોરોનાનો શંકાસ્પદ દર્દી ભાગવાનો મામલો સામે આવ્યો છે. અલી હુસેન સીદ્દીકી નામનો યુવક શંકાસ્પદ કોરોના દર્દી હતો. ગોત્રી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાંથી તે ભાગી ગયો હતો. પોલીસે યુવાનને ઝડપીને ગોત્રી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં ખસેડાયો છે. કોરોના વાયરસના શંકાસ્પદ હોવાથી સારવાર અર્થે ખસેડાયો છે. સારવાર બાદ ગોરવા પોલીસ તેની ધરપકડ કરશે. 

ઉલ્લેખનીય છે કે, લેટેસ્ટ સરકારી આંકડા મુજબ રાજયમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો ૮૫ પર પહોંચી ગયો છે. પોરબંદરમાં બે અને સુરતમાં એક નવો કેસ નોંધાયો છે. જામનગરની લેબમાં કુલ ૯ સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી બે લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંન્ને કેસ પોરબંદરના છે. એક ૨૭ વર્ષીય યુવતી અને ૪૨ વર્ષના યુવકનો કેસ પોઝિટિવ આવ્યો છે. બાકી તમામ સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તો સુરતમાં એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ મહિલા મધ્યપ્રદેશથી સુરત આવી હતી. તો રાજયમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી ૭ લોકોના મોત થયા છે.

(10:15 am IST)