Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2019

ગુજરાતમાં કોંગ્રેસ પાસે ભાજપને પડકારી શકે એવા મૂરતિયા નથી?

અમદાવાદ તા. ૨ : ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો પર ભાજપના ઉમેદવારોને ટક્કર આપી શકે તેવા જાણીતા ચહેરાઓની કોંગ્રેસમાં અછત વર્તાઈ રહી છે. જેના કારણે જ પક્ષને પોતાના સિટિંગ એમએલએ અને અન્ય વરિષ્ઠ નેતાઓ પર નજર દોડાવવી પડી રહી છે. કોંગ્રેસ હાલ અહેમદ પટેલ, શકિતસિંહ ગોહિલ અને પરેશ ધાનાણી જેવા વરિષ્ઠ નેતાઓને લોકસભા ચૂંટણી લડાવવા માટે વિચારણા કરી રહી છે.

એવી જોરદાર અટકળો છે કે કોંગ્રેસ ભરુચ બેઠક પર અહેમદ પટેલ, ભાવનગર બેઠક પર શકિતસિંહ ગોહિલ અને અમરેલી બેઠક પર પરેશ ધાનાણીને ચૂંટણી લડાવી શકે છે. પક્ષનું માનવું છે કે આ ઉમેદવારોને મેદાનમાં ઉતારવાથી ન માત્ર કાર્યકર્તાઓમાં જોમ આવશે, પરંતુ તેની સાથે પક્ષમાં પણ નવી ઊર્જાનો સંચાર થશે. જોકે, પહેલાથી જ મહત્વની જવાબદારીઓ ઉઠાવી રહેલા આ નેતાઓ લોકસભા ચૂંટણી લડવા તૈયાર થાય છે કે નહીં તે મોટો સવાલ છે.

કોંગ્રેસે અત્યાર સુધી ૧૩ બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે, જેમાંથી ૪ વર્તમાન ધારાસભ્યો છે. જેનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ પાસે જાણીતા ચહેરાનો અભાવ છે. પક્ષ અત્યાર સુધી રાજકોટ બેઠક પર લલિત કાગથરા, પોરબંદર બેઠક પર લલિત વસોયા, જુનાગઢ બેઠક પર પૂંજા વંશ અને વલસાડ બેઠક પર જીતુભાઈ ચૌધરી જેવા વર્તમાન ધારાસભ્યોને લોકસભા ચૂંટણીની ટિકિટ આપી ચૂકયો છે.

અહેમદ પટેલ, પરેશ ધાનાણી અને શકિતસિંહ ગોહિલ હવે જે બેઠકો પર નામ જાહેર થવાના બાકી છે તે અંગે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરે તેવી શકયતા છે. જેમાં તેમને ચૂંટણી લડાવવી કે કેમ તે અંગે પણ ચર્ચા થઈ શકે છે. વિશ્વસનીય સૂત્રોનું માનીએ તો ત્રણેય નેતાઓ લોકસભા લડવાની ઓફરને નકારી પણ ચૂકયા છે.

બીજી તરફ, ભાજપે અત્યાર સુધી ૨૩ બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે, જેમાંથી ૧૫ વર્તમાન સાંસદોને રિપિટ કરાયા છે. ૩ ધારાસભ્યોને લોકસભાની ટિકિટ અપાઈ છે, અને રાજયસભા સાંસદ અમિત શાહ ગાંધીનગરથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે અત્યાર સુધી ચાર મહિલાઓેને ટિકિટ આપી છે. કોંગ્રેસે જે ૧૩ ઉમેદવારો જાહેર કર્યા છે તેમાં એકેય મહિલાને સ્થાન નથી મળ્યું. જોકે, પક્ષ સુરત, દાહોદ, સુરેન્દ્રનગર, અમરેલી અને જામનગર એમ પાંચમાંથી ત્રણ બેઠક પર મહિલા ઉમેદવારોને ચાન્સ આપી શકે છે.

(3:56 pm IST)