Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

એનએમસી બીલના વિરોધમાં હડતાળ : દર્દીઓ બેહાલ થયા

જુનિયર ડોકટરો, મેડિકલ વિદ્યાર્થીઓની હડતાળ : સિવિલ , વીએસ, શારદાબહેન અને એલજી હોસ્પિટલના ૭૦૦થી વધુ જુનિયર ડોકટરો પ્રતિક હડતાળમાં જોડાયા

અમદાવાદ,તા. ૨ : કેન્દ્ર સરકારના સૂચિત નેશનલ મેડિકલ કમીશન બીલ-૨૦૧૭ના વિરોધમાં આજે ગુજરાત સહિત દેશભરના તબીબી શાખાના વિદ્યાર્થીઓ અને જુનીયર ડોકટર્સ એક દિવસની પ્રતીક હડતાળ પર ઉતર્યા હતા અને એનએમસી બીલ સામે ઉગ્ર વિરોધ વ્યકત કરી આ બીલ પરત ખેંચવા માંગણી કરી હતી. અમદાવાદ શહેરમાં પણ સિવિલ હોસ્પિટલ, વીએસ હોસ્પિટલ, , શારદાબહેન હોસ્પિટલ અને એલજી હોસ્પિટલના ૭૦૦થી વધુ જુનીયર ડોકટરો હડતાળ પર ઉતરતાં હોસ્પિટલની આરોગ્ય સેવાને ખાસ કરીને દર્દીઓ અને તેમના સગાવ્હાલાને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ઓપીડી સહિતની સેવાઓ પર સીધી અસર પહોંચતા ભારે કફોડી હાલત બની હતી. જો કે, તંત્ર દ્વારા સિનિયર ડોકટર્સને ફરજ પર તૈનાત કરાયા હતા. કેન્દ્ર સરકારના સૂચિત નેશનલ મેડિકલ કમીશન બીલ-૨૦૧૭ના વિરોધમાં ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસીએશન દ્વારા દેશભરમાં વિરોધની રૂપરેખા નક્કી કરવામાં આવી છે અને સમયાંતરે જુદા જુદા વિરોધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. જેમાં આજે દેશભરમાં જુનીયર ડોકટર્સ અને તબીબી શાખાના વિદ્યાર્થીઓની પ્રતીક હડતાળનું એલાન હતું. જેને પગલે આજે વહેલી સવારે આઠ વાગ્યાથી જ શહેરની સિવિલ હોસ્પિટલ, વીએસ હોસ્પિટલ, , શારદાબહેન હોસ્પિટલ અને એલજી હોસ્પિટલના ૭૦૦થી વધુ જુનીયર ડોકટરો હડતાળ પર ઉતરી ગયા હતા. જુનીયર ડોકટર્સ અને મેડિકલના વિદ્યાર્થીઓ એનએમસી બીલ પાછુ ખેંચવા અને તેને રદ કરવાની માંગણી સાથે હોસ્પિટલ સંકુલમાં જ ધરણાં પ્રદર્શન પર બેસી ગયા હતા. ડોકટરોએ હાથમાં વિરોધ દર્શક બેનરો, પ્લે કાર્ડ અને બોર્ડ લઇ પોતાનો વિરોધ શાંતિપૂર્ણ રીતે રજૂ કર્યો હતો. વિરોધ પર બેઠેલા ડોકટરોએ પોતાનો વિરોધ વ્યકત કરતાં જણાવ્યું હતું કે, એનએમસી બીલ એ ડોકટરોના હિત વિરૂધ્ધનું છે અને તેને લાગુ કરવાની કોઇ જ જરૂરિયાત નથી. આ બીલ મારફતે મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાનું અસ્તિત્વ પણ મટી જશે, જયારે ડોકટરોની સ્વતંત્રતા અને કલ્યાણ પર તરાપ પડે છે. આ સંજોગોમાં કેન્દ્ર સરકારે તાત્કાલિક ધોરણે બીલને પાછું ખેંચવું જોઇએ. ડોકટરોની આજની હડતાળની બીજીબાજુ, ઉપરોકત તમામ હોસ્પિટલોમાં ઓપીડી સહિતની સેવાઓ પર સીધી અસર પહોંચી હતી અને તેના કારણે દર્દીઓ અને તેમના સગાવ્હાલાઓને ભારે હાલાકીનો ભોગ બનવું પડયું હતું. દર્દીઓ અને તેમના સગાવ્હાલાઓની હાલત કફોડી બની હતી.

કેટલાક કિસ્સાઓમાં તો ઓપરેશનો પર પણ અસર વર્તાઇ હતી. બીજીબાજુ, તંત્રએ દાવો કર્યાે હતો કે, જુનીયર ડોકટર્સ અને મેડિકલના વિદ્યાર્થીઓની હડતાળની અવેજીમાં સિનિયર ડોકટર્સને ફરજ પર સતત તૈનાત રખાયા હતા અને દર્દીઓની આરોગ્ય વિષયક સેવાનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું.

(7:31 pm IST)