Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

કપડવંજના માલઈટાડીમાં ગોચરની જમીનને લઈને દબાણ વધતા મામલો બિચક્યો

કપડવંજ:તાલુકાના માલઈંટાડીના ખાડીયા ગોચરની જમીનમાં થયેલ દબાણોને લઈ હાઈકોર્ટમાં અરજી થઈ હતી. જેથી દબાણ કરનારા ઈસમોએ અદાવત રાખી માજી સરપંચને માર માર્યો હતો. આ બનાવ અંગે બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ કપડવંજ તાલુકાના માલઈંટાડીના રાજેશભાઈ બાબુભાઈ પટેલ વર્ષ ૨૦૦૧ થી ૨૦૧૧ દરમ્યાન સરપંચ તરીકે સેવા બજાવી હતી. માલઈંટાડીના પૂર્વ સરપંચ રાજેશભાઈ પટેલ (હાલ- રાજમંદિર સોસાયટી, બાલાસિનોરમાં રહે છે) તેમના કાર્યકાળ દરમ્યાન ખાડીયા પ્લોટ વિસ્તારમાં ગ્રા.પં.ની ગોચરની જમીનમાં કેટલાક ગોહેલ ઈસમોએ દબાણ કર્યું હતું. આ દબાણો બાબતે હાઈકોર્ટમાં અરજી થઈ હતી. જેથી હાઈકોર્ટે દબાણો હટાવવા હુકમ કર્યો હતો. જેને લઈ બળવંતભાઈ મોતીભાઈ ગોહિલ તથા અન્ય ઈસમોને સરપંચ સાથે મન દુ:ખ હતું. ગઈકાલે રાજેશભાઈ પટેલ તેમના સંબંધી બાલાસિનોરથી સ્વીફ્ટ ગાડી લઈને હનુમાન જયંતી હોઈ ગડદાલાટ હનુમાનજી મંદિરે આવતા હતા. આ દરમ્યાન કદમપુરા પાટીયા પાસે બળવંતભાઈ મોતીભાઈ ગોહિલ તેમજ અન્ય ઈસમોએ આ ગાડી ઊભી રખાવી ગમે તેમ ગાળો બોલવા લાગ્યા હતાં. અને કહેલ કે તું અમારા ઘરો પડાવવા કેમ પાછળ પડી ગયો છે કહી ગમે તેમ ગાળો બોલી રાજેશભાઈ પટેલને ગાડીમાંથી ખેંચીને નીચે ઉતારી ફેંટોથી તથા મુક્કાથી માર માર્યો હતો. તેમજ રાજેશભાઈ પટેલ તથા ભાવેશભાઈ ચીમનભાઈ ઘરે ગયા હતા ત્યારે ગોહિલોના ટોળાએ તેમના ઘરે જઈ ગાળો બોલી જાનથી મારી નાખવાની તેમજ માલ મિલકતનું નુકસાન કરવાની ધમકી આપી હતી. આ વખતે નરેન્દ્રભાઈ હીરાભાઈ પટેલ વીડિયો રેકોર્ડિંગ કરતા હોઈ જશુભાઈ રણછોડભાઈ ગોહિલે મોબાઈલ છીનવી લીધો હતો. જ્યારે વિક્રમભાઈ શંકરભાઈ મોબાઈલ ફોન તોડી નાખી તેમજ ગાડીને નુકસાન કર્યું હતું.
આ બનાવ અંગે રાજેશભાઈ બાબુભાઈ પટેલની ફરિયાદ આધારે કપડવંજ રૂરલ પોલીસે બળવંતભાઈ મોતીભાઈ ગોહિલ, ઉદાભાઈ મોહનભાઈ ગોહેલ, જશુભાઈ રણછોડભાઈ, વિક્રમભાઈ સાંકળભાઈ, દિનેશભાઈ રમણભાઈ , કનુભાઈ ગાંડાભાઈ, દશરથભાઈ પ્રવિણભાઈ ગોહિલ, રાકેશભાઈ અશ્વિનભાઈ, પર્વતભાઈ રતિલાલ, અજયભાઈ અશ્વિનભાઈ, માલાભાઈ નાનાભાઈ ગોહિલ, ભીખાભાઈ રાધાભાઈ તેમજ કાળાભાઈ શનાભાઈ ગોહેલ (તમામ રે. ખાડીયા તાબે ઈંટાડી) સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે સામા પક્ષે ઉદેસિંહ મોહનભાઈ ગોહિલે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ઉદેસિંહ ગોહિલ ગઈકાલ સવારે બાલાસિનોર જવા ગડદાલાટ પાટીયા પાસે બેઠા હતા ત્યારે રાજેશભાઈ બાબુભાઈ પટેલે પોતાની સ્વીફ્ટ ગાડીમાં આવી ઉદેસિંહને કહેલ કે, ખાડિયા ગામના મકાનો તોડી નખાવીશ અને સરપંચ તથા પંચાયત બોડીને સસ્પેન્ડ કરાવી દઈશ. તને પણ નહીં છોડું તેવી ધમકી આપી હતી. તેમજ કાર્તિકભાઈ રાજેશભાઈ પટેલે ગાડી સ્પીડમાં ચલાવી ઉદેસિંહને રોડ ઉપર પાડી દઈ ડાબા પગે તથા ડાબા હાથે ફ્રેક્ચર કર્યું હતું. તેમજ ઉદેસિંહને કહેલ કે, આજે તો તું બચી ગયો છે પણ હવે એકલ દોકલ મળીશ તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે ઉદેસિંહ મોહનભાઈ ગોહિલની ફરિયાદ આધારે કપડવંજ રૂરલ પોલીસે રાજેશભાઈ બાબુભાઈ પટેલ તથા કાર્તિકભાઈ રાજેશભાઈ પટેલ સામે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:35 pm IST)