Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

રધુનાથજી ભગવાનની દિવ્ય ગાથાઓના શ્રવણ માટે હનુમાનજી મહારાજ ચિરંજીવી રહ્યા છઃ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી

શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં દ્રોણેશ્વર ગુરુકુલ ખાતે હનુમાન જયંતી મહોત્સવ, મારુતિ યજ્ઞ, સમૂહ આરતિ, સત્સંગ માસિક સભા

ઊના. :  દર વર્ષની જેમ આ વરસે પણ દ્રોણેશ્વર મહાદેવની સાનિધ્યમાં, મચ્છુન્દ્રીના કિનારે, દ્રોણેશ્વર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના પરિસરમાં ભવ્ય રીતે કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો જન્મ મહોત્સવ ધામધુમથી ઉજવાયો હતો. જેમાં ફાટસર, ઇંટવાયા, જુડવડલી, દ્રોણ, ખીલાવડ, દુધાળા ગીર વગેરે ગામોમાંથી પાંચેક હજાર  ભાવિક ઉમટ્યા હતા.  

 હનુમાન જચંતીના દિવસે વહેલી સવારે પૂ. માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં મહામારુતિ યજ્ઞ યોજાયો હતો, સાંજે મહા આરતિનો કાર્યક્રમ યોજાયો હતો.

  આજ દિવસે સવારે ૯ થી ૧૨-૩૦ સુધી સત્સંગ માસિક સભાનું આયોજન કરવામાં આવેલ. જેમાં પૂ. માધવપ્રિયદાસજી સ્વામીએ સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે આજનો દિવસ અલૌકિક છે. આજે શનિવાર  ચૈત્રી સુદી પુનમનો દિવસ એટલે હનુમાન જયંતી.

 તીથિઓ તો દ્યણી છે પણ પુનમ, એકાદશી અને હનુમાન જયંતીને કોઇ તોલે ન આવે, પત્થરાઓતો દ્યણા છે પણ શાલગ્રામની તોલે કોઇ ન આવે કારણ કે શાલગ્રામ તો ભગવાન વિષ્ણુનું સ્વરુપ છે. વૃક્ષોતો દ્યણા છે પણ તુલસીની તોલે કોઇ આવે નહીં.

  હનુમાનજી મહારાજ સેવક છે અને સદગુરુ પણ છે. સેવક હોય અને સાથે સાથે ભગવાનનું સ્મરણ કરતા હોય તેવા તો હનુમાનજી મહારાજ છે.

 ખરેખર ભગવાનમાં જોડે, જાગે અને બીજાને જગાડે તે સંત કહેવાય. ખરેખરા સંત હોય તે ભગવાનમાં જોડે અને પોતે જાગૃત રહી બીજાને જગાડે છે. હનુમાજી મહારાજે સુગ્રીવને ભગવાનમાં જોડ્યા છે.

  હનુમાનજી મહારાજે ત્રણેય અવતારો - શ્રી રામચંદ્રજી ભગવાન, ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અને ભગવાન શ્રી સ્વામિનારાયણની સેવા કરી છે. ભગવાનની કથાનું શ્રવણ કરવું એ હનુમાનજી મહારાજનો પ્રાણ છે. શ્રી રદ્યુનાથની ગાથાઓના શ્રવણ માટે હનુમાનજી મહારાજ ચિરંજીવી રહ્યા છે. રામકથા થતી હોય ત્યાં હનુમાનજી મહારાજ અવશ્ય હાજર હોય છે.  

   હનુમાનજી મહારાજની વિશિષ્ટતા એ છે કે ભારતભરના તમામ ધર્મના અનુયાયીઓ તેને પૂજે છે અને માને છે. ભારતનું કોઇ ગામ ખાલી નહી હોય કે જયાં હનુમાનજી મહારાજ નહી બિરાજતા હોય.

 સભાને અંતે મહાઆરતિનો અનોખા કાર્યક્રમ યોજાયો હતો. તમામ દર્શનાર્થીઓને સુખડીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.

(4:26 pm IST)