Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

ગુજરાતના ૭ સહિત ૯૦ રેલ્વે સ્ટેશનોની સૂરત બદલશે

અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર, ગાંધીનગર, સુરત, વલસાડ રેલ્વે સ્ટેશન ઉપર દેખાશે ગુજરાતી સંસ્કૃતિની ઝલકઃ સુરત-ગાંધીનગર રેલ્વે સ્ટેશન ઉપર ૩૦૦ રૂમવાળી ફાઇવ સ્ટાર હોટેલ આકાર લેશેઃ ઔરંગાબાદને અજંતા-ઇલોરા ગુફાના થીમ ઉપર અને ઉજૈનને મહાકાલના થીમ ઉપર ડિઝાઇન કરાશે

રાજકોટ, તા., રઃ રેલ્વે મંત્રાલય દ્વારા દેશભરના ૯૦ સ્ટેશનોનો પુનઃવિકાસ કરવામાં આવશે, આ અંતર્ગત સ્થાનીક સંસ્કૃતિ અને ઇતિહાસની ઝલક રેલ્વે સ્ટેશનને આપવામાં આવશે. જે ૯૦ રેલ્વે સ્ટેશનો નક્કી કરાયા છે તે પૈકી ગુજરાતના ગાંધીનગર, સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર અને વલસાડ સીટીનો સમાવેશ થાય છે. ગાંધીનગર અને સુરત રેલ્વે સ્ટેશનને ઇન્ડીયન રેલ્વે સ્ટેશન ડેવલોપમેન્ટ કોર્પોરેશન (આઇઆરએસડીસી) દ્વારા ડેવલોપ કરાશે. આ સ્ટેશનો ઉપર ૩૦૦ રૂમની ફાઇવ સ્ટાર હોટેલ અને અત્યાધુનિક સુવિધા સાથેના પ્લેટફોર્મ અને લોન્જ આકાર પામશે.

આ ઉપરાંત અમદાવાદ, રાજકોટ, વડોદરા ,ભાવનગર અને વલસાડ રેલ્વે સ્ટેશનોને સ્થાનીક રેલ્વે તંત્ર દ્વારા વિકસીત કરવામાં આવશે. જે સ્ટેશનો ઉપર સૌથી વધુ યાત્રીઓ પહોંચે છે તે સ્ટેશનોનો વિકાસ કરવાની રેલ મંત્રાલયની યોજના છે. આ યોજનાઓને વિભિન્ન ઝોન અને નોડલ એજન્સીઓને સોંપવામાં આવી છે. કેટલાક એવા સ્ટેશનો પણ છે જેનું ધાર્મિક મહત્વ ખુબ જ રહેલું છે. દરરોજ ૪પ હજારથી વધુ મુસાફરોની અવર-જવર રહે છે. આવા સ્ટેશનો ઉપર મુસાફરોને ઉત્તમમાં ઉત્તમ સુવિધા આપવાનું આયોજન થયું છે.

રોજ ૧ લાખ મુસાફરોની આવાગમન રહેતી હોય તેવા અમદાવાદને હેરીટેઝ સીટીનો દરજ્જો મળ્યો હોવાથી આ સ્ટેશનને ભદ્ર કિલ્લા, ભવ્ય દરવાજા, સીદી સૈયદની ઝાળી, અડાલજની વાવ, ઝુલતા મિનારાનો લુક આપવામાં આવે તેવી પણ શકયતા છે. સાથોસાથ સાબરમતી ગાંધી આશ્રમની ઓળખ પણ સમાવિષ્ટ કરી શકાશે. હાલમાં રેલ્વે તંત્ર અલગ-અલગ વિભાગો પાસેથી આ રેલ્વે સ્ટેશનોને વિકસીત કરવાની થીમ મંગાવી રહી છે.

ઔરંગાબાદ સ્ટેશનને અજંતા-ઇલોરા વાસ્તુના આધાર ઉપર જયારે આગ્રાને તાજમહલ તથા ઉજ્જૈનને મહાકાલેશ્વર મંદિરના વાસ્તુને અનુરૂપ દેખાવ આપવામાં આવશે. નાગપુર સ્ટેશન કંમ્પાઉન્ડમાં વિશાળ સંતરાનો આકાર આપવામાં આવશે. બેલગાંવમાં મહાત્મા ગાંધીનું આગમન થયું હતું એટલે તેના આગલા ભાગ ઉપર વિશાળ ચરખો બનાવવામાં આવશે. તીરૂપતી સ્ટેશનને ભગવાન તીરૂમાલા મંદિરની ડિઝાઇન ઉપર વિકસાવવામાં આવશે. (૪.૫)

 

(12:05 pm IST)