Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

વિરમગામ નગરપાલિકામાં ભગવો લહેરાયો, ભાજપના 22 અને 14 અપક્ષ ઉમેદવારો વિજયી બન્યા

વિરમગામ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનું મિશન 22 સફળ, સ્પષ્ટ બહુમતી મળી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :  અમદાવાદ જિલ્લાની વિરમગામ નગરપાલિકાની ચૂંટણીમાં ભગવો લહેરાયો છે. ભારતીય જનતા પાર્ટીના 22 ઉમેદવારો વિજયી બન્યા છે. જયારે 14 અપક્ષ ઉમેદવારો જીત્યા છે. વિરમગામ નગરપાલિકાની ચૂંટણી કોંગ્રેસ ખાતું પણ ખુલ્યું નથી. વિરમગામ નગરપાલિકાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મિશન 22 કેમ્પેઇન ચલાવવામાં આવ્યું હતું.     વિરમગામ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનું મિશન 22 સફળ રહ્યું અને ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. વોર્ડ-2, 3 મા 1-1 અપક્ષ અને 4 , 5 અને 9 વોર્ડમા અપક્ષોએ મેદાન માર્યુ છે. જ્યારે બાકીના તમામ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો છે. વિજેતા ઉમેદવારોના સમર્થકોએ અબીલ ગુલાલ ઉડાડી, ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી અને વિજયના વધામણા કરવામાં આવ્યા હતા. વિરમગામ નગરપાલિકાની ચૂંટણીમાં જનતા એ સ્પષ્ટ જનાદેશ આપતા વિરમગામ નગરનો હવે વિકાસ થશે તેવી આશા નગરજનો રાખી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના વતનમાં કોંગ્રેસને વિરમગામ નગરપાલિકાની એક પણ બેઠક ન મળતા કોંગ્રેસમાં સોપો પડી ગયો છે.

(4:55 pm IST)