Gujarati News

Gujarati News

News of Saturday, 2nd March 2019

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આંતરડામાં સોજો : ચિંતાનું કારણ નથી ;આરામ કરવા તબીબી સલાહ

મુખ્યમંત્રી રૂપાણીના સ્વાસ્થ્ય અંગેનું હેલ્થ બૂલેટીન :કાલના તમામ કાર્યક્રમો રદ કરાયા

અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને સવારે વોમિટીંગ અને તાવની અસર વર્તાતી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી રૂપાણીના સ્વાસ્થ્યની પ્રાથમિક તપાસ ગાંધીનગર સિવીલ હોસ્પિટલના તબીબોએ કરી હતી. 

  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ત્યાર બાદ તેમના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર જૂનાગઢ જવા રવાના થયા હતા. રાજકોટ હવાઇમથકે તેઓ યુ.પી.ના મુખ્યમંત્રી  યોગી આદિત્યનાથજીને આવકારી તેમની સાથે શિવરાત્રી મેળા માટે જૂનાગઢ જવાના હતા. 

મુખ્યમંત્રીને રાજકોટ ખાતે પણ સ્વાસ્થ્યની આ ફરિયાદ યથાવત રહેતાં તેઓ અમદાવાદ પરત આવ્યા હતા. મુખ્યમંત્રીની  ત્યાર બાદ અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ડૉ. આર. કે. પટેલ અને ડૉ. મનોજ ઘોડાએ સારવાર અર્થે આરોગ્ય તપાસ કરી હતી. 

મુખ્યમંત્રીની તબીબી તપાસ બાદ ડૉ. આર. કે. પટેલે અને ડૉ. મનોજ ઘોડાએ નિદાન કરતાં જણાવ્યું કે, મુખ્યમંત્રી  રૂપાણીને  ઉલટી અને તાવ તેમજ આંતરડામાં દુઃખવાની ફરિયાદ હતી. તેમને આંતરડા પર સોજો હોવાનું નિદાન થયું છે. 

મુખ્યમંત્રીની તબિયત હાલ સ્થિર છે અને ચિંતાનું કોઇ જ કારણ નથી. 

તબીબોએ વિજયભાઇ રૂપાણીને આરામ કરવાની સલાહ આપી છે. તેના કારણે મુખ્યમંત્રીના આવતીકાલ તા. ર જી માર્ચ – ર૦૧૯ના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. 

(11:11 pm IST)