Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

ગુરૂ નાનકદેવના ઉપદેશ આજે પણ બધા લોકો માટે માર્ગદર્શક

ઇન્ટરનેશનલ લોયર્સની મહત્વની કોન્ફરન્સ થઇ : ગુરૂ નાનકદેવના ઉપદેશ અને વિચારો પ્રભાવિત કરી દેનાર છે : ચીફ જસ્ટિસનો મત : કાર્યક્રમમાં પ્રતિનિધિઓ સામેલ

અમદાવાદ, તા.૨ : પંજાબ, હરિયાણા બાર કાઉન્સીલ અને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના સંયુકત ઉપક્રમે ગુરૂનાનક દેવજીની ૫૫૦મી જન્મજયંતિ નિમિતે ચંદીગઢ ખાતે બે દિવસીય ઇન્ટરનેશનલ લોયર્સ કોન્ફરન્સ યોજાઇ હતી, જેમાં દેશ-વિદેશથી આવેલા જયુડીશીયરી ક્ષેત્રના માધાંતાઓ અને કાયદાવિદોએ ગુરૂનાનક દેવજીના સમાનતા, સામાજિક ન્યાય અને પર્યાવરણ સહિતના અનેકવિધ મુદ્દાઓ પર વિશ્વ સમક્ષ રજૂ કરેલી ફિલસૂફી અને ઉપદેશ વર્તમાન સમયની જયુડીશીયલ સીસ્ટમમાં ઘણી માર્ગદર્શક અને અગત્યની હોવાનો સૂર વ્યકત કર્યો હતો. આ ઇન્ટરનેશનલ લોયર્સ કોન્ફરન્સમાં ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન સી.કે.પટેલ, વાઇસ ચેરમેન જીતેન્દ્ર ગોળવાલા, પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લા, એકઝીકયુટીવ કમીટીના ચેરમેન આર.એન.પટેલ સહિત ૧૭ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને ગુજરાતનું પ્રતિનિધિત્વ રજૂ કર્યું હતું. સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ  શરદ અરવિંદ બોબડે આ ઇન્ટરનેશનલ લોયર્સ કોન્ફરન્સમાં મુખ્ય મહેમાન બન્યા હતા. 

               આ સિવાય જસ્ટિસ સૂર્યકાંત   ઝા, પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ રઘુવીર ઝા સહિતના મહાનુભાવો ઉપરાંત, કેલિફોર્નિયા, ન્યુયોર્ક, લંડન, ગયાના, ભૂતાન, શ્રીલંકા અને કેનેડા સહિતના દેશોના જયુડીશીયરી ક્ષેત્રના પ્રતિનિધિઓ પણ ખાસ હાજર રહ્યા હતા. સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ ગુરૂનાનક દેવજીના ઉપદેશ અને વિચારો સામાન્ય જીવન જ નહી પરંતુ વ્યવસાયિક જીવનમાં પણ ઘણા ઉપયોગી અને માર્ગદર્શક હોવાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ગુરૂ નાનકદેવજીએ ૫૫૦ વર્ષ પહેલાં કોઇ ધર્મમાં ભેદભાવ વગરની ફિલસૂફી અને ઉદારમતવાદી સમાજ, મહિલા-પુરુષની એકસમાનતા અને પર્યાવરણ સહિતના વિષયો પર આપેલા ઉદાહરણો પ્રભાવિત કરનારા છે. આ પ્રસંગે અન્ય દેશોમાંથી આવેલા પ્રતિનિધિઓએ પણ ગુરૂ નાનક દેવજીના વિચારો વર્તમાન સમયના કાયદાઓ અને જયુડીશરી ફિલ્ડમાં સંસુગત છે અને તેઓએ માત્ર પંજાબ કે ભારત જ નહી પરંતુ સમગ્ર વિશ્વના લોકોને માનવતાનો બહુ ઉમદા સંદેશો આપ્યો હતો. તેમણે સામાજિક અને આર્થિક રીતે નબળા લોકોને ખાસ કરીને છેવાડાના માનવી સુધી વધુમાં વધુ લાભો પહોંચાડવા ભાર મૂકયો હતો.

          આ પ્રસંગે ગયાનાના એમ્બેસેડરશ્રીએ ગુરૂનાનક દેવજીના વિચારોથી પ્રભાવિત થઇ ભારત દેશના સંબંધો ગાઢ અને મજબૂત બન્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. દરમ્યાન ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં દેશના ૧૪ રાજયોની વિવિધ બાર કાઉન્સીલોના હોદ્દેદારો અને ૪૦૦થી વધુ પ્રતિનિધિઓ, શિક્ષણજગતના ૧૨૭થી વધુ મહાનુભાવો તેમ જ દેશ-વિદેશના આમંત્રિત મહેમાનોએ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો. આ કોન્ફરન્સમાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનનકુમાર મિશ્રા અને પંજાબ અને હરિયાણા બાર કાઉન્સીલના પ્રમુખ હરપીત બ્રાર તરફથી આ પ્રકારે વકીલો માટે કાયદાની સમજ અને જ્ઞાનની પરિષદો દેશના અન્ય ભાગોમાં પણ રજૂ થાય તે માટે અપીલ થઇ હતી.

(9:35 pm IST)