Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

શામળાજી નજીક અથડામણ થઇ : મજબૂત કરાયેલ સુરક્ષા

જૂથ અથડામણ વેળા જોરદાર પથ્થમારો થયો : પોલીસે ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધી કોમ્બિંગ હાથ ધર્યું : ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસને બિભત્સ ગાળો આપી

અમદાવાદ, તા.૨ : શામળાજીના ગોઢઅઢેરા ગામે આદિવાસી સમાજના બે જૂથ વચ્ચે અથડામણ સર્જાતાં વાતાવરણ જોરદાર રીતે તંગ બની ગયું હતું. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારે પોલીસના કર્મચારીઓ અને જીપ પર પણ ઉશ્કેરાયેલા લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેથી એક પોલીસ કર્મચારીને ઈજાઓ થઈ હતી. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસકર્મીઓને બિભસ્ત ગાળો બોલી જાનથી કરી નાખવાની ધમકી આપી હતી જેથી ફરજ બજાવવા ગયેલ પોલીસકર્મીઓ પણ ફફડી ઉઠ્યા હતા. પોલીસ પર હુમલો થતા જિલ્લાની પોલીસ ગોઢઅઢેરા ગામે ખડકી દેવામાં આવી હતી અને અસામાજિક તત્ત્વોને ઝડપી પાડવા મોટાપાયે કોમ્બીંગ હાથ ધરાયું હતું. પોલીસે હુમલો કરનાર ૧૩ લોકો અને ૫૦ માણસોના ટોળા સામે ફરિયાદ નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

              આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શામળાજીના ગોઢઅઢેરા ગામે અર્જુન ક્લાસવાના ખેતરમાં ગામના અન્ય શખ્સે વાહન હંકારતા અર્જુનભાઈએ ઠપકો આપતા સામાન્ય બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ૫૦થી વધુ લોકોએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી અર્જુન ક્લાસવાના ઘરે પહોંચી પથ્થર અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો તેમજ વાહનોમાં તોડફોડ કરતા બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા. જૂથ અથડામણના કારણે સમગ્ર વાતાવરણ તંગ બની ગયું હતું. અર્જુન ક્લાસવાએ ૧૦૦ નંબર પર ફોન કરતા શામળાજી પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે, જૂથ અથડામણમાં ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસજીપ પર પથ્થરો વડે હુમલો કરતા અને પોલીસ કર્મચારીઓને બિભત્સ ગાળો બોલવાની સાથે પથ્થરમારો કર્યો હતો. જેથી મહેશભાઈ ઉદાભાઈ નામના પોલીસ કર્મચારીને જમણા ગાલ પર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા. પોલીસે હુમલો કરનાર ૧૩ લોકો અને ૫૦ માણસોના ટોળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગામમાં અને આસપાસના વિસ્તારોમાં પેટ્રોલીંગ અને કોમ્બીંગ વધારીદીધુ હતું અને સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે.

(9:34 pm IST)