Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

સાબરકાંઠાના દોતડ ગામે સાસરીયામાં આવેલાં યુવક ગૂમ :ઘરમાં દાટી દેવાયેલો મૃતદેહ મળ્યો

રસોઈ કરવાના ચૂલા પાસે નવું લીપણ જોતા શંકા જાગી : ખોદકામ કરતા હત્યા કરીને દાટી દેવાયેલ મૃતદેહ મળ્યો

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના દોતડ ગામે સાસરીમાં આવેલાં યુવકનો મૃતદેહ ઘરમાંથી હત્યા કરી દાટી દેવાયેલી હાલતમાં મળી આવ્યો હતો.

  આ અંગે મળતી વિગત મુજબ રાજસ્થાનના ધધમતા ગામના કીકા ખૈરના લગ્ન પોશીના તાલુકાના દોતડ ગામે થયાં હતાં. કીકાભાઇ ખૈર તેમની પત્નીને મળવા માટે સાસરીયામાં આવ્યાં હતાં. બે- ત્રણ દિવસ બાદ પણ તેઓ ઘરે પરત નહી ફરતાં તેના પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. રાજસ્થાનથી પરિવારના સભ્યો દોતડ ગામમાં આવ્યાં હતાં

 . સાસરીયા  પક્ષના લોકોને પૂછતો તેઓએ જણાવ્યું હતું કે, અમારા જમાઈ આવેલાં પણ તેના બાળકને બિસ્કીટ આપી એ જ દિવસ પરત થઈ ગયાં હતાં. દરમિયાન શંકા ઉપજતાં કાચા મકાનમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં રસોઇ કરવાના ચુલા પાસે નવું લીંપણ કરાયું હોવાનું જણાયું હતું. આ જગ્યાએ ખોદવામાં આવતાં કીકાભાઇનો મૃતદેહ દાટેલી હાલતમાં મળી આવ્યો હતો.

 આ બાબતે પોશીના પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. બનાવ સંદર્ભમાં મૃતકના ભાઈ સુરેશભાઈ ટીકમાભાઈ ખૈરએ ફરિયાદ નોંધાવી છે. કીકાભાઇની હત્યા કરી મૃતદેહ દાટી દેવાયો હોવાની શકયતાના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(9:28 pm IST)