Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

બીઆરટીએસ કોરિડોરમાં કાર ઘુસાડી દેનારને જામીન

૨૦ હજારની ડિપોઝીટ સાથે ૧૫ હજારના જામીન : અરજદાર એક્સ આર્મીમેન બનાવના દિવસે ફેમિલી સાથે સામાજિક પ્રસંગે કારમાં જઇ રહ્યા હતા તેની નોંધ લેવાઈ

અમદાવાદ,તા.૨ : બીઆરટીએસ કોરિડોરમાં કાર ઘૂસાડી અકસ્માત સર્જનાર અને બીઆરટીએસના આરએફઆઇડી સ્વીંગ ગેટને તોડી રૂ.૧.૮૦ લાખનું નુકસાન પહોંચાડવાના ચકચારભર્યા કેસમાં પકડાયેલા નિવૃત્ત આર્મીમેનને અત્રેની મેટ્રોપોલીટન કોર્ટે રૂ.૨૦ હજારની ડિપોઝીટ જમા કરાવવા સાથે રૂ.પંદર હજારના શરતી જામીન પર મુકત કરવા હુકમ કર્યો હતો. કોર્ટે અરજદારને પાસપોર્ટ જમા કરાવવા સહિતની શરતો સાથે જામીન આપ્યા હતા. અરજદાર એક્સ આર્મીમેન મહેન્દ્ર વેકરીયા તરફથી કરાયેલી જામીન અરજીમાં એડવોકેટ પ્રતિક નાયક અને પંકજસિંહ સોલંકીએ કોર્ટનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, અરજદાર તા.૨૮-૧-૨૦૨૦ના રોજ અરજદાર પોતાના કુંટબીજનો સાથે કારમાં એક સામાજિક પ્રસંગે જઇ રહ્યા હતા ત્યારે  રાયખંડ ચાર રસ્તા પાસે તેમની કારનું એન્જિન બંધ પડી જતાં આગળ જઇ રહેલા વાહનચાલકને બચાવવાના પ્રયાસમાં અરજદારની કાર બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસી ગઇ હતી અને આગળ આરએફઆઇડી સ્વીંગ ગેટની સાથે ટકરાઇ હતી, જેના કારણે ગેટ તૂટી ગયો હતો અને નુકસાન થયું હતું.

            જો કે, અરજદારે ઇરાદાપૂર્વક કે જાણીબુઝીને આ અકસ્માત સર્જયો નથી. એડવોકેટ પ્રતિક નાયક અને પંકજસિંહ સોલંકીએ એક મહત્વના મુદ્દા પરત્વે પણ ધ્યાન દોર્યું કે, પોલીસની તપાસમાં અરજદાર દારૂ પીધેલી કે નશાની હાલતમાં નહી હોવાનુ સ્પષ્ટ થયું હતું અને પોતે એક્સ આર્મીમેન હોવા ઉપરાંત, તેઓ બનાવના દિવસે ફેમીલી સાથે સામાજિક પ્રસંગે જઇ રહ્યા હતા, તેથી ફેમીલી સાથે કોઇ વ્યકિત આ પ્રકારે ઇરાદાપૂર્વક અકસ્માત સર્જવાનું કૃત્ય કરી શકે નહી. આ એક જેન્યુઇન અક્સ્માત હતો, જેથી કોર્ટે અરજદારના મોટીવ અને જેન્યુઇનનેસને ધ્યાનમાં લઇને જામીન પર મુકત કરવા જોઇએ. કોર્ટે અરજદારપક્ષ તરફથી કરાયેલી દલીલો ગ્રાહ્ય રાખી એક્સ આર્મીમેનને શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો.

(9:27 pm IST)