Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું જોર ઘટે તેવા એંધાણ

અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૩.૨ ડિગ્રી : કોઈ પણ પ્રકારની કોલ્ડવેવ માટે ચેતવણી જારી ન કરાઈ

અમદાવાદ, તા.૨ : ગુજરાતમાં ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે પરંતુ આગામી બે દિવસ દરમિયાન ઠંડી ઘટવાના સંકેત દેખાઈ રહ્યા છે. લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે. જો કે, ત્યારબાદ ફરી એકવાર ઠંડીનો ચમકારો રહી શકે છે. આજે પણ રાજ્યના કેટલાક ભાગોમાં જોરદાર ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો. નલિયામાં લઘુત્તમ તાપમાન આજે પણ ૬.૮ ડિગ્રી રહ્યું હતું. નલિયા ઠંડુગાર રહ્યું હતું. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો ૧૦થી ૧૨ ડિગ્રી વચ્ચે રહ્યો હતો. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૩.૨ ડિગ્રી રહ્યું હતું. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો ૧૦થી ઉપર રહ્યો હતો. સૌથી વધારે ઠંડીનો અનુભવ નલિયામાં થયો હતો જ્યાં પારો ૬.૮ રહ્યો હતો. પાટનગર ગાંધીનગર, રાજકોટ, સુરેન્દ્રનગરમાં તીવ્ર ઠંડીનો અનુભવ થયો હતો જ્યાં તાપમાન ક્રમશઃ ૧૩, ૧૧.૩ અને ૧૨.૩ નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં પારો ૧૩.૨ રહ્યો હતો.

             ઠંડા પવનો ફુંકાવાના કારણે સવારમાં લોકોએ ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો. જોકે હવે ઠંડી વિદાય લેશે તેમ માનવામાં આવે છે. હવામાન વિભાગ તરફથ કોઈપણ પ્રકારની કોલ્ડવેવની ચેતવણી જારી કરવામાં આવી નથી. જેથી રાહત રહેવાના સંકેત છે. આવતીકાલે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રી રહી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનો ચમકારો લોકો અનુભવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી ફરી એકવાર લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ થઇ ગયા છે. સવારમાં અને મોડી સાંજે ઠંડીના ચમકારા વચ્ચે બપોરના ગાળામાં લોકોને આંશિક રાહત મળી રહી છે.

          બીજી બાજુ રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ ખાતે પણ હાલ ગયેલા પ્રવાસીઓ અટવાઈ પડ્યા છે કારણ કે અહીં તીવ્ર ઠંડીનો ચમકારો અનુભવાયો છે. પ્રવાસીઓને હોટલોમાં જ રહેવાની ફરજ પડી છે.  ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાની અસર હાલમાં અનુભવાઈ રહી છે જેના લીધે ઉત્તરભારતમાં રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં લોકો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા ભાગોમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો હતો અને તાપમાનમાં વધારો થયો હતો. અમરેલીમાં ૧૪.૬ અન્ય વિસ્તારોમાં પણ પારો વધ્યો હતો. અમદાવાદમાં વહેલી સવારમાં ઠંડા પવનોના કારણે લોકો ગરમ વસ્ત્રોમાં દેખાયા હતા. જો કે, તાપમાનમાં હવે ક્રમશઃ વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે અને ઠંડી ધીમીગતિએ ઘટશે. લોકોને મોટી રાહત મળશે.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૨  : અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. ચિત્ર નીચે મુજબ છે.

સ્થળ

લઘુત્તમ તાપમાન

અમદાવાદ

૧૩.૨

ડિસા

૯.૨

ગાંધીનગર

૧૩

વીવીનગર

૧૪.૩

વડોદરા

૧૪

સુરત

૧૭.૫

વલસાડ

-

અમરેલી

૧૪.૬

રાજકોટ

૧૧.૩

સુરેન્દ્રનગર

૧૨.૩

મહુવા

૧૬.૩

ભુજ

૧૦

નલિયા

૬.૮

કંડલા એરપોર્ટ

૧૧

(9:25 pm IST)