Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

કેનાલમાં ડુબી રહેલી મહિલાને બચાવવા જતા યુવક ડૂબી ગયો

ગળતેશ્વર નજીક યુવકના મોતથી આઘાતનું મોજુ : ડૂબી રહેલી મહિલાને યુવક બચાવવામાં સફળ થયો પરંતુ પોતાને બચાવવામાં ફ્લોપ રહ્યો : સમયથી મદદ ન મળી

અમદાવાદ,તા.૨ : ગળતેશ્વર તાલુકાના મોકાના મુવાડામાં ડૂબતી મહિલાને બચાવવા કેનાલમાં પડેલા એક યુવકનું ડૂબી જતાં કરૂણ મોત નીપજ્યું હતું. આશ્ચર્યની અને ચોંકાવનારી વાત એ છે કે, કેનાલમાં ડૂબી રહેલી મહિલાને આ યુવકે પહેલા બચાવવામાં સફળતા મેળવી હતી પરંતુ બાદમાં પોતે કોઇક કારણસર કેનાલના પાણીમાં તણાઇ ડૂબી ગયો હતો. બીજી તરફ યુવકના મૃત્યુ બાદ ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો અને તંત્ર દ્વારા સમયસર બચાવ કામગીરી માટે મદદ નહી મળી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો અને મૃતદેહનો સ્વીકાર કરવાની ઇન્કાર કરી દેતાં તંત્ર દોડતું થયું હતું. ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગ્રામજનોને સમજાવવામાં આવ્યા હતા. છેવટે તેમણે યુવકનો મૃતદેહ સ્વીકાર્યો હતો. આ અંગેની વિગત એવી છે કે, ગળતેશ્વર તાલુકાના હાંડિયા ગામે રહેતા નંદુબેન પરમાર (ઉ.વ.આ. ૫૫) પોતાની દીકરીને લઇને નહેર પાસેથી પસાર થઇ રહ્યા હતા.

          આ સમયે નંદુબેન કેનાલમાં ઉતરતાં તેમનો પગ લપસ્યો હતો અને તેઓ કેનાલના પાણીમાં પડ્યા હતા. માતાને કેનાલમાં પડતી જોઇને કિનારે ઉભેલી દીકરીએ બૂમાબૂમ કરી મૂકતાં ત્યાંથી પસાર થઇ રહેલા કિરણભાઇ પરમાર (ઉ.વ.૨૬) એ પળનો પણ વિચાર કર્યા વગર કેનાલમાં ઝંપલાવ્યું હતું અને નંદુબેનને સુરક્ષીત રીતે કિનારે પહોંચાડ્યા હતાં. જો કે, મહિલાને બચાવ્યા  બાદમાં યુવક કિરણ નહેરના પાણીમાં લાપતા થઇ જતાં સ્થાનિકો તરવૈયાઓ દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

          પરંતુ સાંજના સમયે કેનાલમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. કિરણ કેનાલના પાણીમાં લાપતા થયા બાદ સ્થાનિક ગ્રામજનો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી હતી. જો કે, તંત્રની કોઇ મદદ સમયસર મળી ન હતી. જો સમયસર તંત્રની મદદ મળી હોત તો કિરણનો જીવ બચી ગયો હોય તેવી લાગણી સાથે ગ્રામજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દેતાં અધિકારીઓ દોડી ગયા હતા અને ગ્રામજનોને સમજાવ્યા હતા. મામલો ગરમાયા બાદ છેવટે ગ્રામજનોએ યુવકનો મૃતદેહ સ્વીકાર્યો હતો. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

(9:26 pm IST)