Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સતત ત્રીજા દિવસે દબાણો હટાવવા કવાયત ચાલુ : તંત્ર આદિવાસીઓ પર હિટલર શાહી અપનાવતું હોવાની રાવ

દબાણો તોડવા બાબતે બે અધિકારીઓ વચ્ચે તું...તું...મેં...મેં....થતા પોલીસે મામલો થાળે પાડ્યો :બંને અધિકારીઓ વચ્ચેની બોલાચાલી બાબતે ડે.કલેક્ટર વિરુદ્ધ ના.મામલદાર જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ત્યારથી વહીવટી તંત્ર કેવડિયા વિદેશ ટાઈપ ટીપટોપ બનાવવાની ઘેલછામાં સ્થાનિક આદિવાસીઓ પર હિટલર શાહી અપનાવી અત્યાર કરી રહ્યુ છે.જાહેર માર્ગ પર આવતા લારી ગલ્લા સહીત નાની દુકાનો ઘરો તોડી સફાઈ ઝુંબેશ ચલાવી રહ્યા છે. પરંતુ જેમાં કોઈના ઘરનો રોટલો છીનવાઈ રહ્યો છે તો કોઈના ઘરનો ઓટલો છીનવાઈ રહ્યો છે.સ્થાનિકો બેરોજગાર અને બેઘર બની રહ્યા છે ત્યારે આ કેવો વિકાસ તેમ કહી લોકોમાં રોષ ફેલાયો છે. હાઇકોર્ટ ના હુકમનું અર્થઘટન કરી તંત્ર હાલ પોતાની મનમાની કરી ત્રણ દિવસ થી દબાણો હટાવી રહી છે.

    31મી જાન્યુઆરીએ હાઇકોર્ટે આપેલા ચુકાદા મુજબ ગ્રામજનો અને પક્ષકારો વચ્ચે કમિટી બનાવીને ફોર્મ્યુલા નક્કી કરી 10 દિવસમાં કોર્ટ સમક્ષ મૂકે,અથવા 10 દિવસ બાદ કોર્ટ ન્યાયોચિત નિર્ણય લેશે.હવે વધુ સુનાવણી 11 મી ફેબ્રુઆરીએ હાથ ધરાશે.જેમાં કોર્ટે બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ભારત ભવન સુધી જુલાઈ 2019 પછીના કોઈ બાંધકામ કર્યું હોય તો એ દબાણો દૂર કરવા હાઇકોર્ટ નો આદેશ આપ્યો છે. જયારે તંત્ર લાકડી લઈને સ્થાનિક આદિવાસીઓની પાછળ પડી હોય તેમ મંડયું છે.
      દબાણો હટાવવા નીકળેલા અધિકારીઓની ટીમો વચ્ચે પણ તું...તું.. મેં.મેં.ના દ્રસ્યો જોવા મળ્યા એક ડે.કલેક્ટર કક્ષાના આધિકારી એ નાયબ મામલતદારને જાહેર માર્ગ પર બેફામ તતડાવ્યા બાદ અન્યોમાં રોષ પણ જોવા મળ્યો છે અને આ વર્તન બાબતે રજુઆત પણ કરશે તેવી પણ વાત જાણવા મળી છે.જોકે બંને અધિકારીઓ વચ્ચે ની બોલાચાલીમાં પોલીસે દખલગીરી કરી તત્કાલ મામલો થાળે પાડ્યો હતો. પરંતુ આ બાબતે ડે.કલેક્ટર વિરુદ્ધ ના.મામલદાર જિલ્લા પોલીસ વડાને ફરિયાદ આપશે તેવી પણ વાત બહાર આવી છે.

(7:41 pm IST)