Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ડુપ્લીકેટ ટીકીટ ઝડપાઇ : અમદાવાદની ટ્રાવેલ એજન્સી સામે છેતરપીંડીની ફરિયાદ

નારણપુરાની રાવ ટ્રાવેલ્સ દ્વારા ટિકિટની PDF ફોર્મેટમાં કિંમત સાથે છેડછાડ કરી 1030 ની જગ્યાએ 1260 કરી હોવાનું ખુલ્યું :અગાઉ 2 પ્રવાસીઓ સાથે છેતરપિંડી થયેલ બાદમાં ફરીવાર 10 પ્રવાસીઓ સાથે ટિકિટ મુદ્દે છેતરપિંડી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અગાઉ 2 પ્રવાસીઓ સાથે ટિકિટ મુદ્દે છેતરપિંડી થઈ હતી,એ બાદ 2 જાન્યુઆરીએ ફરી 10 પ્રવાસીઓ સાથે ટિકિટ મુદ્દે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 2 જી ફેબ્રુઆરી 2020 ના રોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા

  સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા વ્યક્તિ દીઠ વ્યુઇંગ ગેલેરી જવા માટે એક્સપ્રેસ ટિકિટના 1030 રૂપિયા નક્કી કરાયા છે.દિલ્હીથી આવેલા 10 જેટલા પ્રવાસીઓ પોતાની ટિકિટ સ્કેનિગ કરાવી રહ્યા હતા.દરમિયાન એમની ટિકિટ પર એ દર 1260 રૂપિયા હોવાનું સ્ટાફ અને પીએસઆઇ કે.કે.પાઠકને જણાઇ આવ્યું હતું, જોકે પ્રવાસીઓને તો અંદર જવા દેવાયા હતા પણ હાજર સ્ટાફે આ મામલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ વહીવટદાર નિલેશ દુબેને જાણ કરી હતી

  તપાસ દરમિયાન અમદાવાદ નારણપુરાની રાવ ટ્રાવેલ્સ દ્વારા ટિકિટના PDF ફોર્મેટમાં કિંમત સાથે છેડછાડ કરી 1030 ની જગ્યાએ 1260 કરી હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું.આ મામલે કેવડિયા પોલીસે અમદાવાદ નારણપુરાની રાવ ટ્રાવેલ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 આ બાબતે sou ટિકિટ કો-ઓર્ડીનેટર અહેસાન અલી સૈયદે કેવડિયા પોલીસ સ્ટેશને પ્રવાસી પાસેથી 2300₹ વધુ લઈને છેતરપિંડી આચર્યાનું ટિકિટ ચેકીંગ વખતે જ ધ્યાને આવતા ફરિયાદ નોંધાવી છે.

 વધુમાં નાયબ વહીવટદાર નિલેશ દુબે એ જણાવ્યું હતું કે તાલીમી કર્મીઓ અને આધુનિક સોફ્ટવેરનો ઉપયોગ અત્રે sou ખાતે થતો હોય ડુપ્લીકેટ અથવા છેડછાડ વાળી ટિકિટ લઈને પ્રવેશ કરવો અત્રે શક્ય નથી. પ્રવાસીઓને  વિનંતી કે souની ટિકિટ soutickets.in પરથી ખરીદવા આગ્રહ રાખવો અથવા statue of unity tickets official નામની એન્ડ્રોઇડ એપ્લિકેશન પરથી બુક કરવા આગ્રહ રાખવો

(6:49 pm IST)