Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

અનિલ યાદવનું સતાવાર ડેથ વોરંટ સાબરમતી જેલમાં પહોંચી ગયું

સુરતની ૩ વર્ષની માસુમ બાળા સાથે દુષ્કર્મ અને હત્યાના આરોપીને ફાંસીની સજા મામલે રાજય જેલ તંત્રમાં ભારે સળવળાટ : બહુ લાંબા વર્ષોથી સાબરમતી જેલમાં કોઇને ફાંસી અપાઇ ન હોવાથી ફાંસીખોલીના માચડા તથા લીવરનું ટેકનીકલ નિષ્ણાંતો દ્વારા નિરીક્ષણ કરવા જેલ વડા ડો.કે.એલ.એન. રાવની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય

રાજકોટ, તા., ૧:  સુરતની ૩ વર્ષની બાળા સાથે દુષ્કર્મ અને હત્યાના આરોપસર ઝડપાયેલા અનિલ યાદવને સેસન્સ કોર્ટે હાઇકોર્ટની બહાલીથી ફાંસીની સજા કરવા સાથે ડેથ વોરન્ટ ઇસ્યુ કરી અમદાવાદની સાબરમતી જેલમાં ર૯ ફેબ્રુઆરીએ ફાંસી આપવાના હુકમનું સતાવાર  ડેથ વોરંટ જેલ સતાવાળાઓને મળી ગયાની બાબતને રાજયના જેલવડા ડો.કે.એલ.એન.રાવે  સમર્થન આપ્યું છે.

આ હુકમ સામે આરોપી સુપ્રિમ કોર્ટમાં અપીલ કરે અને સજા યથાવત રહે તો રાષ્ટ્રપતિ સમક્ષ દયા યાચીકાની અપીલ કરે  તો તેમાં સ્વભાવિક સમય જાય આમ છતાં જેલ સતાવાળાઓ સેસન્સ અદાલતના હુકમના પાલન કરવાના  ભાગરૂપે રાજયના એડીશ્નલ ડીજી કક્ષાના જેલ  વડા ડો. કેએલએન રાવ તથા આઇપીએસ ડો.મહેશભાઇ નાયકની ટીમ દ્વારા ફાંસી ખોલીના નિરીક્ષણ સાથે ગુજરાતમાં ફાંસીગર (હેંગમેન)ની જગ્યા ન હોવાથી અન્ય સ્ટેટમાંથી ફાંસીગરની વ્યવસ્થા કઇ રીતે કરવી તે અંગેની બેઠકમાં પરામર્શ કર્યો હતો.

અત્રે એ યાદ રહે કે દેશના અન્ય રાજયો ઉતરાખંડ, હરીયાણા અને પંજાબ વિગેરે સહીતના રાજયોમાં ગુજરાતની માફક જલ્લાદની જગ્યા ખાલી હોવાથી નિર્ભયા કેસના ૪ આરોપીઓને ફાંસી આપવા માટે મેરઠના પવન જલ્લાદની મદદ લેવામાં આવી હતી. લખનઉમાં ઇલ્યાસ નામનો જલ્લાદ છે. જરૂર પડયે રાજય સરકાર અને ગૃહ મંત્રાલય દ્વારા ઉકત બંન્નેમાંથી એક જલ્લાદને ગુજરાત કઇ રીતે લાવી શકાય તે માટે પણ  બેઠકમાં ચર્ચા થયાનું  સુત્રો જણાવે છે. અમદાવાદ-સાબરમતી જેલમાં બહુ વર્ષો અગાઉ ફાંસી આપ્યા બાદ કોઇ ફાંસી અપાઇ  ન હોવાથી ફાંસીઘરનું તથા ગાળીયા અને  બીજી ટેકનીકલ બાબતોનું ટેકનીકલ નિષ્ણાંત મારફત ચકાસણી કરાવાની પ્રક્રિયા પણ રાજયના જેલ તંત્ર દ્વારા ચાલી રહી છે.

ગુજરાતમાં છેલ્લે ૧૯૮૯માં રાજકોટમાં જાણીતા અગ્રણી હસુભાઇ દવે પરીવારમાં નાના બાળક સહિત ૩ ની થયેલી હત્યાના આરોપી શશીકાંત માળીને ફાંસી આપવામાં આવી ત્યારે રાજકોટ જેલના ફાંસી ખોલીના દ્વાર રપ વર્ષે ખુલ્યા હતા. આમ વર્ષોના વહાણા બાદ ગુજરાતમાં કદાચ ફાંસી આપવાનો પ્રસંગ બને તેવી સંભાવના ધ્યાને લઇ જેલ તંત્ર હરકતમાં આવી ગયું છે.

૧૯૧૮ના અરસામાં  સુરતમાં લીંબાયત વિસ્તારમાં રહેતા પરીવારની ૩ વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખવામાં આવેલ. મૃતદેહ કોથળામાં વિંટાળી રૂમ બંધ કરી આરોપી નાસી છુટયો હતો. સુરત પોલીસે આખા વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કર્યા ત્યારે બાળકી કે બીજા કોઇ દ્રષ્ટિગોચર ન થતા બાળકી આ વિસ્તારમાં જ હોવાનું અનુમાન કરી તમામ ઘરોનું સર્ચ ઓપરેશન કરતા અનિલ યાદવનું ઘર બંધ હતું. અનિલ આમેય શંકાના પરીઘમાં હોય રૂમનું તાળુ તોડી બાળકીનો મૃતદેહ બહાર કાઢી અનિલને  બિહારના એક ગામથી ઝડપી લેવામાં આવેલ.

(11:56 am IST)