Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

નર્મદા જિલ્લાના આરોગ્ય ટીમનું આકસ્મિક ચેકીંગ : ૫ મેડિકલ ઓફિસરો સહિતનાને નોટીસથી ફફડાટ

ઉપરી અધિકારીના ઓર્ડરને ઘોળીને પી જઈ ગુલ્લા મારતા આરોગ્ય વિભાગના કેટલાક ગુટલેબાજો સામે આમ આકસ્મિક ચેકીંગ જરૂરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજ્યમાં સૌથી વધુ માતા અને બાળકોનું મરણ થઇ રહ્યું છે,જેના તારણમાં મેડિકલ ઓફિસરો અને કર્મચારીઓ નિયમિત આરોગ્ય કેન્દ્ર પર હાજર ન રહી સેવા નિયમિત નહિ બજાવવાતા હોવાનું નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારીએ કાઢ્યું હતું.નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારીએ તમામ આરોગ્ય કેન્દ્રો અને પેટા કેન્દ્રો પર લેખિત હુકમ કરી 26 જાન્યુઆરી પછી તમામ કર્મચારીઓ અને તબીબી અધિકારીઓને આરોગ્ય કેન્દ્ર પર રહેવાનો હુકમ કર્યો હતો.છતાં કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ ઉચ્ચ અધિકારીના ઓર્ડરને ઘોળીને પી ગયા હતા.જેથી નર્મદા જિલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી નર્મદા જિલ્લાની આરોગ્ય ટીમોએ વિવિધ સ્થળો પર આકસ્મિક ચેકીંગ હાથ ધર્યું હતું.એ ટીમે મુલાકાત લેતા 5 જેટલા મેડિકલ ઓફિસર અને 10 થી વધુ આરોગ્ય કર્મચારીઓ પોતાના ફરજ સ્થળ પર હાજર મળ્યા ન હતા.એ તમામને નોટિસ ફટકારી 4 દિવસમાં ખુલાસો પૂછ્યો છે.
 નર્મદા જિલ્લાના બોરીયા,બૂંજેઠા,જેસલપોર,નવા વાઘપરા અને ગંગાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ,લેબ ટેક્નિશિયન,મેલ સુપરવાઈઝર,ફિમેલ સુપરવાઈઝર ,મેલવર્કર, ફિમેલવર્કર અને ફાર્માશિષ્ટને તથા ગોરા(બોરીયા)ના સીએચઓ અને મેલવર્કરને નોટિસ અપાઈ છે.

(9:46 pm IST)