Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

ગુજરાતમાં મેરીટાઇમ હેરિટેજ મ્યુઝિયમનું સપનું સાકાર થશે

લોથલમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું કામ શરૂ થશે : કેન્દ્રીય બજેટને વિકાસને વેગ આપનારૂ ગણાવી આવકારતા મનસુખ માંડવિયા

રાજકોટ, તા. ૧ :. સામાન્ય બજેટ ૨૦૨૦-૨૧ દ્વારા કેન્દ્ર સરકારે ફરી પોતાની પ્રતિબદ્ધતાના દર્શન કરાવતા સમાજના તમામ વર્ગક્ષેત્રને આવરી લીધા છે. આ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને નાણામંત્રી નિર્મલાજીનો આભાર માનું છું તથા દેશના નાગરીકોને અભિનંદન પાઠવું છું તેમ કેન્દ્રીય શીપીંગ (સ્વતંત્ર પ્રભાર), કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવેલ છે.

ભારત દેશ પહેલેથી જ ટ્રેડ ડેફિસિટને સમસ્યાનો સામનો કરતુ રહ્યું છે. નીચું ઘરેલુ ઉત્પાદન અને વધુ આયાતથી હંમેશા ટ્રેડ ડેફિસિટ રહી છે. મોદી સરકારે કરેલ આયોજનપૂર્વકના પ્રયત્નોથી એફડીઆઈ વધી રહી છે, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં રેન્ક સુધારી રહ્યો છે.

શ્રી માંડવિયાએ આગળ જણાવેલ છે કે મોદી સરકારે વર્ષ ૨૦૧૪થી જ 'કલીન ઈકોનોમી'નાં મંત્ર સાથે અર્થતંત્રનો મજબુત પાયો નાખવા પગલા લીધેલ છે. જેના પરિણામે આજે એનપીએ ઘટી છે, લોન રીકવરી વધી છે, આર્થિક અપરાધીઓ સામે કડક પગલા લેવાયા છે તથા લોનની પ્રક્રિયા સરળ અને પારદર્શક બની છે.

ગુજરાતના હજારો વર્ષોના સમુદ્રી ઇતિહાસ અને ભવ્ય વારસાને જાળવવા તથા દુનિયા સામે રજૂ કરવા એક વર્લ્ડ કલાસ 'મેરીટાઇમ હેરિટેજ મ્યુઝીયમ' ગુજરાતના લોથલ ખાતે બને તે માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી તેમના મુખ્યમંત્રી કાળથી સક્રિય રીતે પ્રયાસો કરતા આવ્યા છે. એક-એક ગુજરાતીની પણ આ આકાંક્ષા રહી છે.

મેરિટાઇમ હેરિટેજ મ્યુઝીયમ-લોથલ માટે મારા હસ્તકના શીપીંગ મંત્રાલય  દ્વારા કરવામાં આવેલ દરખાસ્તને મંજૂર રાખતા બજેટમાં આ અંગે જાહેરાત થયેલ છે, જેની મને ખુશી છે. આવનારા દિવસોમાં લોથલ આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝીયમ બને તે માટે કાર્ય આરંભ કરીશું તેમ મનસુખ માંડવિયાએ જણાવેલ છે.

(4:19 pm IST)