Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

બજેટ : પશુઓમાં ફુટ એન્ડ માઉથ ડિસીઝ નાબૂદ કરાશે

ગ્રામીણ પશુપાલકો-ખેડૂતોને ઘણી રાહત થશે : ભારતમાં પશુઓ, ઘેંટા-બકરીઓમાં વર્ષ ૨૦૨૫ સુધીમાં ફુટ-એન્ડ-માઉથ ડીસીઝ અને પીપીઆર રોગ નાબૂદ થશે

અમદાવાદ, તા.૧ :     પશુઓમાં ફુટ એન્ડ માઉથ ડિસીઝ નાબૂદ કરવાની કેન્દ્રીય નાણાંમંત્રીએ  બજેટમાં કરેલી જાહેરાતને પણ ઉદ્યોગજગતમાં આવકાર મળ્યો હતો. ખાસ કરીને પશુઓની વેકિસન બનાવતી અને આ વ્યવસાય સાથે સંકળાયેલ ઉદ્યોગજગતને સરકારની આ જાહેરાતથી એક નવી આશા બંધાઇ છે. બીજીબાજુ, બજેટમાં પશુઓ માટે કરાયેલી આ જાહેરાતને પગલે ખાસ કરીને ગ્રામીણ પશુપાલકો અને ખેડૂતોને ઘણી રાહત થશે. આ અંગે હેસ્ટર બાયોસાયન્સિસના સીઇઓ અને એમડી શ્રી રાજીવ ગાંધીએ કેન્દ્રીય નાણાંમંત્રીની જાહેરાતને આવકારતાં પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે, પશુઓના આરોગ્યમાં સુધારો વર્તમાન સરકારની પ્રાથમિકતા રહી છે. ભારતમાં પશુઓ, ઘેંટા અને બકરીઓમાં વર્ષ ૨૦૨૫ સુધીમાં ફુટ-એન્ડ-માઉથ ડીસીઝ (એફએમડી), બ્રુસેલોસિસ ડીસીઝ અને પીપીઆર ડીસીઝ નાબૂદ કરવાની કામગીરી માટે ભારત સરકારની બજેટમાં જાહેરાતનું અમે સ્વાગત કરીએ છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગ્રામીણ ભારતમાં પશુઓ, ઘેંટા અને બકરીઓ મનુષ્યોની નજીક રહે છે ત્યારે તેમના સારા આરોગ્યની સીધી અસર મનુષ્યોના સારા આરોગ્ય ઉપર જોવા મળે છે.

તેનાથી આ પ્રાણીઓના દૂધ અને ઊનની ઉત્પાદકતામાં વધવાથી ખેડૂતોની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. કુત્રિમ ગર્ભાધાનને ૩૦ ટકાથી વધારીને ૭૦ ટકા કરવાની જાહેરાત પણ સકારાત્મક પગલું છે. હેસ્ટર બાયોસાયન્સિસ બ્રુસેલોસિસ અને પીપીઆર વેક્સિનનું ઉત્પાદન કરે છે. અમે દેશભરમાં ઉપલબ્ધ અમારી વેક્સિન દ્વારા સરકારની આ પહેલમાં યોગદાન આપવાનું ચાલુ રાખીશું. ભારત સરકારની આ પહેલ તંદુરસ્ત પ્રાણીઓ દ્વારા મનુષ્યોના સારા આરોગ્યના ઉદ્દેશ્ય સાથે સુસંગત છે. બજેટમાં આ મુદ્દાને પ્રાધાન્યતા અપાઇ તે સારી વાત કહી શકાય.

(8:32 pm IST)