Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

અન્ય રાજ્યોમાં ફોરેન્સિક અને રક્ષાશક્તિ યુનિ.નું નિર્માણ થશે

કેન્દ્રીય બજેટમાં ગુજરાત મોડેલની નોંધ લેવાઇ : ૧૦ વર્ષ પહેલા મોદીએ બંને યુનિવર્સિટીનું ઉદઘાટન કર્યું હતું : ગુજરાત પોલીસની જેમ અન્ય પોલીસ સઘન બનશે

અમદાવાદ,તા.૧ :      દેશના અન્ય રાજયોમાં પણ ગુજરાત રાજયમાં હાલ કાર્યરત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષાશકિત યુનિવર્સિટીની જેમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષાશકિત યુનિવર્સિટી બનાવવાની જાહેરાત કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કરી હતી. આમ, કેન્દ્રીય બજેટમાં ફરી એકવાર ગુજરાત મોડેલની લેવાઇ હતી. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની જાળવણીની સાથે રાજ્ય પોલીસ અને ફોરેન્સિક સાયન્સને મજબૂત બનાવવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષાશક્તિ યુનિવર્સિટી શરૂ કરી હતી. જેના હેતુ અને ઉદ્દેશ્યને આગળ ધપાવવા માટે નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ બનેલી આ યુનિવર્સિટીઓ અને તેની સમગ્ર કામગીરીને એક મોડેલ તરીકે લઇ ગુજરાત પેટર્નથી દેશના અન્ય રાજ્યોમાં પણ આતંકવાદ અને ઘૂસણખોરી અને સાયબર ક્રાઈમને નાથવા માટે ફોરેન્સિક યુનિવર્સિટી અને રક્ષાશકિત-પોલીસ યુનિવર્સિટી શરૂ કરવામાં આવશે એમ કેન્દ્રીય નાણાંમંત્રીએ જાહેરાત કરી હતી. ગુજરાતમાં ૧૦ વર્ષ પહેલા એટલે કે, ૨૦૧૦માં રક્ષાશક્તિ યુનિવર્સિટી અને ૨૦૧૧માં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી શરૂ કરવામાં આવી હતી. ખુદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જ આ બંને યુનિવર્સિટીઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેનો ઉદ્દેશ્ય વિવિધ સુરક્ષા એજન્સીઓને ખાસ તાલીમ આપી આંતરિક સુરક્ષા માટે દેશના યુવાનોને આગળ વધારવા માટે તથા દેશ અને દુનિયામાં ફોરેન્સિક વિશેષજ્ઞોની ખોટ પૂરી કરવાની હતું. આ બંને યુનિવર્સિટીને સફળ ૧૦ વર્ષ પૂરા થયા બાદ ગુજરાતના મુખ્યમંત્રીથી દેશના વડાપ્રધાન પદ સુધી પહોંચેલા નરેન્દ્ર મોદીએ ગુજરાતીની આ બંને યુનિવર્સિટી દેશના અન્ય રાજ્યોમાં શરૂ થાય તે માટે કામગીરી શરૂ કરી હતી. જેના ભાગરૂપે નાણાંમંત્રીએ પોતાના બજેટ ભાષણમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને પોલીસ યુનિવર્સિટી અન્ય રાજ્યોમાં શરૂ કરવા ખાસ નાણાંની ફાળવણીની જાહેરાત કરવામાં આવતાં આ બંને યુનિવર્સિટીઓ મોડેલ તરીકે લેવાતાં તેની નોંધ લેવાઇ છે.

(8:31 pm IST)