Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

મગફળી કાંડ : ગેરરીતિમાં સામેલ કોઇને છોડાશે નહી

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ખાતરી : જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં મગફળીની ખરીદીમાં સ્થાનિક તંત્ર દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ કરાઈ

અમદાવાદ, તા.૧ :     જૂનાગઢના માર્કેટીંગ યાર્ડમાં તપાસ દરમ્યાન નબળી ગુણવત્તાની મગફળી મળી આવતાં અને મગફળી ખરીદીમાં ગંભીર ગેરરીતિનું કૌભાંડ સામે આવ્યા બાદ સરકાર અને તંત્ર દોડતા થઇ ગયા છે. તંત્રના અધિકારીઓ દ્વારા આ સમગ્ર મામલે હવે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઇ છે, તો બીજીબાજુ, રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આ પ્રકરણમાં સંડોવાયેલા તમામ જવાબદારોને બક્ષાશે નહી તેવી હૈયાધારણ આપી હતી. ઉલ્લેખનીય છે કે, માર્કેટીંગ યાર્ડના અધિકારીઓએ પણ સમગ્ર મામલામાં તપાસ બાદ સ્વીકાર કર્યો હતો કે, મગફળી ખરીદીમાં ગેરરીતિ સામે આવી છે. જૂનાગઢના માર્કેટીંગ યાર્ડમાં મગફળી ભેળસેળનું કૌભાંડ સામે આવતાં ખેડૂતઆલમમાં ફરી એકવાર ઉગ્ર રોષની લાગણી ફેલાઇ ગઇ છે. બીજીબાજુ યાર્ડના સીસીટીવી ફુટેજ ચેક કર્યા બાદ તેના આધારે આરોપીઓ સામે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઇ છે. તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ માટે ચાર અધિકારીની સમિતીની રચના કરવામાં આવી છે. આજે અધિકારીઓ દ્વારા સીઝ કરવામાં આવેલી ૧૫૬ બોરીઓ સીલ કરાઇ હતી અને તેમાંંથી ૫ાંચ બોરીઓની તપાસ કરવામાં આવી હતી. જે દરમ્યાન બોરીઓમાંથી નાની-બીબડીવાળી મગફળી મળી આવી હતી. મગફળીમાંથી ૬૫ના બદલે ૬૧.૮ ગ્રામ દાણા નીકળ્યા હતા. ૧૦૦ ગ્રામ મગફળીમાંથી ૬૫ ગ્રામનો ઉતારો હોવો જોઈએ. ત્યારે હવે ૬૧.૮ ગ્રામ દાણા નીકળતા તપાસ બાદ કાર્યવાહી કરાશે. બીજીબાજુ, જૂનાગઢમાં મગફળી કૌભાંડનો વિવાદ વકરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, મગફળી ખરીદીમાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે, સરકાર દ્વારા જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ગેરરીતિ કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ હૈયાધારણ આપી હતી કે, મગફળી કૌભાંડ અંગે તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે. તપાસ દરમ્યાન જે પણ જવાબદાર હશે તેને પકડી જેલ ભેગા કરી દઇ સખત કાર્યવાહી કરાશે. સરકાર દ્વારા કોઇને બક્ષવામાં આવશે નહી. તો, આ મામલે દિલીપ સંઘાણીએ નિવેદન આપ્યું હતું કે, કોન્ટ્રાક્ટથી કામ કરતા લોકો મગફળી કાંડ કરે છે. સરકારી અધિકારી વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. ખરીદી કરવાની સમગ્ર જવાબદારી પુરવઠા નિગમની છે. પુરવઠા નિગમના જવાબદાર અધિકારી સામે પગલા લેવા જોઈએ. સાથે જ તેમણે જણાવ્યુ કે, અગાઉ પણ આ પ્રકારના કૌભાંડ સામે આવ્યા છે અને જવાબદારો છટકી ગયા છે.

(8:37 pm IST)