Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

મધ્યમવર્ગની આવક-બચતમાં વધારો કરશે : જીતુ વાઘાણીનો દાવો

બજેટ ગાંવ, ગરીબ કિસાનલક્ષી છે : ભાજપ : કૃષિ-સિંચાઈ માટે ૨.૮૩ કરોડની ફાળવણી મોટી બાબત

અમદાવાદ,તા.૧ : કેન્દ્રીય નાંણામંત્રી નિર્મલા સીતારામનએ રજુ કરેલા કેન્દ્રીય બજેટ ૨૦૨૦-૨૧ને આવકારતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે,૨૦૨૦ના દશકનું પ્રથમ બજેટ એ આવનારા ૪ વર્ષમાં ભારતને ૫ ટ્રીલીયન ડોલરના અર્થતંત્ર બનાવવા માટેનો રોડમેપ બની રહેશે. ગાંવ, ગરીબ, કિશાન, મહિલા, યુવા એમ તમામ વર્ગની સર્વાંગીણ ઉન્નતી થાય તે પ્રકારનું સર્વસમાવેશક અને પ્રગતિશીલ બજેટ આપવા બદલ ગુજરાતની જનતા વતી મોદીસરકારને આભાર વ્યક્ત કરું છું. વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરદર્શી અને નિર્ણાયક નેતૃત્વ હેઠળ છેલ્લાં ૬ વર્ષમાં ભારત દુનિયાનું સૌથી મોટું ૫માં નંબરનું અર્થતંત્ર બન્યું છે ત્યારે આ બજેટે ભારતને વૈશ્વિક અર્થતંત્રમાં વધુ ઉંચાઈઓ પર લઇ જશે તેમાં કોઈ બે મત નથી. દેશના મોટા ઉદ્યોગગૃહોથી લઇ, લઘુ-મધ્યમ ઉદ્યોગકારો, વેપારીઓ, ખેડૂતો, મધ્યમવર્ગ, યુવા તથા મહિલા સહીત તમામ વર્ગના લોકોએ આ બજેટને આવકાર્યું છે તે જ દર્શાવે છે કે આ સરકાર 'સર્વજન હિતાય અને સર્વજન સુખાય'ના મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરતી સરકાર છે.

                  વાઘાણીએ જણાવ્યું હતું કે, આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૦૨૨ સુધીમાં દેશનાં ખેડૂતોની આવક બમણી કરવાનું બીડું ઝડપ્યું છે ત્યારે કિશાનલક્ષી અનેક જાહેરાતો દ્વારા તે દિશામાં મહત્વપૂર્ણ કદમ ઉઠવવા માટેની કટીબધ્ધતા આ બજેટમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. થોડાં સમય પહેલા જ કિશાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના કિશાનોને દરવર્ષે ૬૦૦૦ રૂપિયા આપવાની શરૂઆત થઇ ચુકી છે તેમજ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ દેશના ૬.૧૧ કરોડ ખેડૂતોને તેનો લાભ મળી ચુક્યો છે ત્યારે આ બજેટમાં પણ ખેડૂતોની આવક વધારવા ૧૬ જેટલાં મોટાં નિર્ણયો લેવામાં આવ્યા છે. કૃષિ અને સિંચાઈ માટે ૨.૮૩ કરોડ જેટલી માતબર રકમની ફાળવણી આ બજેટમાં કરવામાં આવી છે.૨૦ લાખ ખેડૂતોને સોલારપંપ, કિશાન રેલ, કિશાન ઉડાન,ઓર્ગેનિક માર્કેટની રચના, પંચાયત સ્તરે કોલ્ડસ્ટોરેજની સુવિધા, કિશાન ક્રેડીટ માટે ૧૫ લાખ કરોડની જોગવાઈ વગેરે જેવી જાહેરાતો આ બજેટમાં કરવામાં આવી છે. વાઘાણીએ જણાવ્યું હતું કે, નાણામંત્રી એ વ્યક્તિગત આવકવેરાના દરોમાં પણ ધરખમ ઘટાડો આ બજેટમાં જાહેર કર્યો છે જેનાંથી મધ્યમવર્ગની આવક અને બચતમાં વધારો થશે.

               તે ઉપરાંત આ બજેટમાં એસસી તથા પછાતવર્ગની ઉન્નતી અને સમૃદ્ધિ માટે કુલ ૮૫૦૦૦ કરોડની ફાળવણી તથા અનુસુચિત જનજાતિ વર્ગ માટે કુલ ૫૩૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે જે સર્વાંગીણ ઉન્નતી માટેની દ્રઢ ઇચ્છાશક્તિ દર્શાવે છે.આ ઉપરાંત શિક્ષણ માટે ૯૯,૩૦૦ કરોડની ફાળવણી અને સ્કીલ ઇન્ડિયા માટે ૩૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે જેનાંથી યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતામાં વધારો થશે અને રોજગારીના નવા દ્વારા ખુલશે. વાઘાણીએ અંતમાં જણાવ્યું હતું કે, ભારતના અર્થતંત્રને વધુ બળ મળે અને દેશની પ્રગતિની સાથે સાથે ગરીબોને રોજગારીના નવા અવસર પ્રાપ્ત થાય અને તેમની આવકમાં વધારો થાય અને જીવનધોરણમાં પણ સુધારો થાય તે માટેના સનિષ્ઠ પ્રયાસો આ બજેટમાં કરવામાં આવ્યા છે.નવા ભારતના નિર્માણ માટેનું આ પ્રગતિશીલ બજેટ ધંધા-રોજગારમાં વધારો કરશે,સામાન્ય અને મધ્યમવર્ગની આવકમાં વધારો કરશે અને અર્થતંત્રમાં લાંબાગાળાની નવી તેજીનો સંચાર કરશે.

(8:13 pm IST)