Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

બુલિયન એક્સચેન્જ માટેની જાહેરાતથી રોજગારી સર્જાશે

બજેટ જાહેરાતનું ગીફ્ટસીટી વડાએ સ્વાગત કર્યું : ૧૦ વર્ષમાં વિશ્વના સૌથી મોટા ટ્રેડેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પૈકીના એકમાં પ્રાઇઝ સેન્ટર બનશે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દેખાયેલી દુરદર્શિતા

અમદાવાદ,તા.૧ : કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે રજૂ થયેલા બજેટ બાદ ગુજરાતના ઉદ્યોગજગતના નિષ્ણાતોમાંથી પણ અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી હતી. ખાસ કરીને ગીફ્ટસીટીને લઇને બજેટમાં જે મહત્વની જાહેરાત કરાઇ હતી, તો સાથે સાથે જ ગીફ્ટ સીટીમાં ગોલ્ડ રિફાઇનિંગ અને ટેસ્ટિંગ લેબ પણ શરૂ કરવાની જાહેરાત થઇ હતી, જે અંગે ગીફટ સીટના એમડી અને ગ્રુપ સીઇઓ તપન રેએ જણાવ્યું હતું કે, ગીફટસીટીમાં આઇએફએસસીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જની સ્થાપના કરવાની બજેટમાં  આજે થયેલી જાહેરાતનું અમે સ્વાગત કરીએ છીએ. તેનાથી સોનાની સારી પ્રાઇઝ ડિસ્કવરી, વધુ રોજગારનું સર્જન થશે તેમજ બુલિયન માર્કેટમાં ભારતની સ્થિતિ મજબૂત બનશે.

          ગુજરાત માટે આ ઘણા ગૌરવની વાત કહી શકાય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગીફ્ટ સીટી આગામી ૧૦ વર્ષમાં વિશ્વના સૌથી મોટા ટ્રેડેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પૈકીના એકમાં પ્રાઇઝ સેન્ટર બનશે તેવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વીઝન સાથે આ જાહેરાત સુસંગત છે. કેન્દ્રીય નાણામંત્રીએ ઉભરતાં ગ્લોબલ ફાઇનાન્સિયલ સર્વિસિસ હબ તરીકે ગિફ્ટ આઇએફએસીની મહત્વતા ઉપર પુનઃ ભાર મૂક્યો છે, તે બહુ આનંદની વાત છે. ગીફ્ટ આઇએફએસસી સંબંધિત નીતિ જાહેરાતથી ભારતીય અને વિદેશી રોકાણકારોનો વિશ્વાસ નોંધપાત્ર વધશે. વાઇબ્રન્ટ ગ્લોબલ ફાઇનાન્શીયલ હબના નિર્માણમાં સહયોગ કરવા બદલ અમે નાણા મંત્રાલય, ગુજરાત સરકાર તથા અન્ય તમામ સંસ્થાઓના આભારી છીએ.

            દરમ્યાન દેવ આઇટી એમડી અને સીઇઓ નાસ્કોમ ફાઉન્ડેશનના બોર્ડ મેમ્બર  જૈમિન શાહે બજેટમાં ડેટા સેન્ટર્સને લઇ કરાયેલી જાહેરાતને આવકારતાં જણાવ્યું હતું કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ સૌથી અભુતપૂર્વ બજેટ છે. તે વધુ સારી ડિજિટલ કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપશે તથા કૌશલ્યના અંતરમાં ઘટાડો કરશે. ડેટા સેન્ટર્સની રચના, સ્પેશિયલાઇઝ્ડ સ્માર્ટ સિટીઝ અને ગામડાઓ સુધી ભારતનેટ કનેક્ટિવિટી ભારતીય આઇટી ઉદ્યોગને ઘરેલુ બજારમાં વૃદ્ધિ સાધવાની મોટી તક આપશે. ડિજિટલ અર્થતંત્રની વાત કરીએ તો આ બજેટની દિશા એકદમ સ્પષ્ટ છે. આજે નાણામંત્રી નિર્મલા સીતારામને વર્ષ ૨૦૨૦ માટેનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું જેમાં ગુજરાત મોડલને ધ્યાનમાં લઇને કેટલીક યોજનાઓ જાહેર કરવામાં આવી હતી જેમાં ફોરેન્સિક યુનિવર્સિટી અને રક્ષાશક્તિ યુનિવર્સિટીની જેમ અન્ય રાજ્યોમાં યુનિવર્સિટી બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી જે ગુજરાત મોડલ સુચવે છે.

(9:11 pm IST)