Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

ભારતમાં સોનાની કિંમત ગીફ્ટ સીટીમાં નક્કી થશે

અમદાવાદ, તા. ૧ : છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવમાં રહેલી વિસંગતતા, જ્વેલરી ઉદ્યોગમાં પારદર્શિતાના અભાવ અને સોનાની ગુણવત્તા સહિતના અનેક પ્રશ્નોનાં નિરાકરણ માટે ભારત સરકારે નવી ગોલ્ડ પોલિસી બનાવી છે. આ પોલિસીના ભાગરૂપે આજે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણે ગુજરાતમાં ગાંધીનગર ખાતે આવેલા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી (ગીફ્ટસીટી)ના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર (આઇએફએસસી) ખાતે દેશનું પહેલું બુલિયન એક્સચેન્જ બનાવવાની જાહેરાત કરી છે.

            આ સાથે જ ગીફ્ટ સીટીમાં ગોલ્ડ રિફાઇનિંગ અને ટેસ્ટિંગ લેબ પણ શરૂ કરવામાં આવશે. આનો અર્થ એ કે, દેશમાં અત્યારે સોનાના ભાવ નક્કી કરવા માટે કોઈ નક્કર પધ્ધતિ કે માળખુ નથી અને તેથી દેશના દરેક શહેરોમાં ભાવ અલગ અલગ હોય છે અને તેમાં પણ બે શહેરો કે રાજયોના ભાવ વચ્ચે મોટો તફાવત રહે છે. ગોલ્ડ એક્સચેન્જ બનવાથી સોનાના ભાવમાં સમાનતા આવશે. બજારમાં પ્રાઇસ મિકેનિઝમ આવશે અને તેનો સીધો જ લાભ ગ્રાહકોને મળશે. ટૂંકમાં, હવે ભારતમાં સોનાના ભાવ ગાંધીનગર સ્થિત ગીફ્ટસીટીમાં નક્કી થશે, જે બહુ મોટી અને ગૌરવની વાત કહી શકાય.

(9:13 pm IST)