Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

કોંગ્રેસને સત્તાથી દૂર રાખવા મોદી વિચાર મંચની ભૂમિકા

મોદી વિચાર મંચની બેઠક અમદાવાદમાં યોજાઇ : વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને લઇને કામે લાગી જવા રવિ ચાણકયની હાકલ : બેઠકમાં નવા હોદ્દેદારો નિમાયા

અમદાવાદ,તા. ૨ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતને સર્વ શકિતશાળી રાષ્ટ્ર એટલે કે, વિશ્વની મહાસત્તા બનાવવા તરફ આગળ વધી રહ્યા છે ત્યારે તેમના વિચારો, કાર્યો અને નીતિઓ-સિધ્ધિઓને લોકો સુધી પહોંચાડવા અને તેની સાચી સમજ કેળવાય તે હેતુથી કાર્યરત નરેન્દ્ર મોદી વિચાર મંચની એક મહત્વની બેઠક આજે શહેરના સરકીટ હાઉસ, એનેક્સી ખાતે યોજાઇ હતી. જેમાં મંચના રાષ્ટ્રીય સંયોજક રવિ ચાણકયએ અધ્યક્ષપદેથી જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસને સત્તાથી દૂર રાખવામાં નરેન્દ્ર મોદી વિચાર મંચની પણ ઘણી મહત્વની ભૂમિકા રહી છે. દેશના દરેક રાજયોમાંથી લગભગ ૧૨૨ જેટલા કાર્યકરો અને હોદ્દેદારોની ટુકડીઓ ગુજરાતમાં પોતાના ખર્ચે લોકો સુધી પહોંચી તેમને નરેન્દ્ર મોદીની વિકાસ ગાથા અને ભારત દેશને વિશ્વની મહાસત્તા બનાવવા તરફના નોંધનીય પ્રયાસોની જાણકારી જન-જન સુધી પહોંચાડી હતી અને ગુજરાતનો જનમત ભાજપ તરફથી બનાવવા માટે ભારે મહેનત કરી હતી, જેને પગલે ગુજરાતમાં ભાજપનો ભગવો ફરી એકવખત લહેરાયો છે.તેમણે આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને લઇ અત્યારથી જ કામે લાગી જવા કાર્યકરોને હાકલ કરી હતી. તેમણે દેશ માટે સમર્પિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વધુ શકિતશાળી બનાવવા અને દેશને વિકાસની નવી ઉંચાઇઓ સુધી લઇ જવા ઉત્સાહ અને જુસ્સા સાથે રણનીતિમાં જોતરાઇ જવા પણ કાર્યકરોને અનુરોધ કર્યો હતો. રવિ ચાણકયએ ઉપસ્થિત સેંકડો કાર્યકરોને ખાતરી આપી હતી કે, નરેન્દ્ર મોદી વિચાર મંચ કોઇપણ પ્રકારના પડકારો કે અંતરાયને પહોંચી વળવા સજ્જ અને સક્ષમ છે પરંતુ રાષ્ટ્રની વિકાસગાથાને ઉની આંચ નહી આવવા દઇએ. આ પ્રસંગે શાહઆલમ દરગાહના ખાદીમ પણ હાજર રહ્યા હતા અને તેમણે પણ નરેન્દ્ર મોદી વિચાર મંચને સમર્થન આપ્યું હતું. આ પ્રસંગે મંચના ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે લીતિન મહેતાની પુનઃ નિયુક્તિ કરવામાં આવી હતી. તો સાથે સાથે મહિલા શાખામાં શ્રીમતી પારૂલબહેન દવે, આઇટી શાખામાં રેખાબહેન જગદીશભાઇ રાવલ, લઘુમતી મોરચામાં સમીરભાઇ છીપા, ગૌ વિજ્ઞાન શાખામાં કલ્પેશભાઇ દવે, અધિવકતા મંચમાં અઁંબરીશ જાની, નિવેશક મંચમાં વિજયભાઇ વસાવડા અને યુવાશાખામાં ચેહરભાઇ દેસાઇની નિમણૂંક કરવામાં આવી હતી.     

(8:41 pm IST)