Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

અમદાવાદમાં સાઉદી અરબથી પરત આવેલા સસરાને પુત્રવધુએ જીવતા સળગાવી દીધા

અમદાવાદ : રિસામણે ગયેલ પુત્રવધુને મનાવવા ગયેલ એનઆરઆઇ સસરાને સળગાવી દેતા તેનુ  સસરાનું મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ જુના વાડજ વિસ્તારમાં આવેલ ગાંધીનગરના ટેકરા પાસે પટેલની ચાલીમાં હરીશભાઇ બચુભાઇ પરમાર તેમનાં પત્ની નાવીબહેન, પુત્ર મનીષ અને અરૂણ, પુત્રવધુ હંસા અને કોમલ સાથે રહે છે.  હરીશભાઇ આઠ મહિના પહેલા સાઉદી અરબથી પરત આવ્યા હતા. છ મહિના પહેલા અરૂણ અને કોમલ વચ્ચે સામાન્ય તકરાર થઇ  હતી. જેમાં કોમલ તેના બે વર્ષના પુત્ર હર્ષને લઇને કુબેરનગર તેના પિયરમાં જતી રહી હતી. ગઇ કાલે સવારે હરીશભાઇ તેના મોટા પુત્ર મનીષને લઇને પુત્રવધુ કોમલને મનાવવા માટે ગયા હતા.

હરીશભાઇ કોમલના ઘરમાં એકલા જ ગયા હતા જયારે મનીષ બહાર ઉભો હતો. હરીશભાઇએ ઘરમાં જઇને પૌત્ર હર્ષને રમાડવા અને કોમલને લેવા આવ્યો છું તેમ કહેતા કોમલ અને તેની માતા મંજુબહેન અને બહેન માધુરી ઉશ્કેરાઇ ગયાં હતા. ત્રણેય જણાએ હરીશભાઇને ધકકો મારીને પાડી દીધા હતા અને તેમના પર કેરોસીન છાંટીને દીવાસળી ચાંપી હતી. હરીશભાઇ આગની ઝપેટમાં ચઢતાં બુમાબુમ થઇ ગઇ હતી જેમાં મનીષ તેમજ અડોશ પડોશનાં લોકો દોડીને આવી ગયા હતા અને હરીશભાઇ પર પાણી છાંટીને આગ બુઝાવી હતી. હરીશભાઇ ગંભીર રીતે દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ગઇ કાલે મોડી રાત્રે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

સરદારનગર પોલીસ પુત્રવધુ કોમલ તેની માતા મંજુબહેન અને બહેન માધુરી વિરુધ્ધમાં હત્યાની કોશિશનો ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી હતી. ગઇ કાલે હરીશભાઇનાં મોત બાદ પોલીસે હત્યાની કલમ ઉમેરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જલ્લાદ વહુએ પતિની સામે જ NRI સસરાને સળગાવવાનો પ્રયત્ન કર્યો. પિયરિયાઓએ સાથ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.

(8:09 pm IST)