Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

વડોદરામાં મોતીયાના ઓપરેશન બાદ અંધાપો આવી જતા ૧૬ દર્દીઓને પ૬ લાખ ચુકવવા વડુવાલા હોસ્પીટલ તંત્રને કોર્ટનો આદેશ

વડોદરાઃ વડોદરાની વડુબાવાલ હોસ્પીટલમાં આંખના મોતીયાનું ઓપરેશન બાદ અંધાપો આવી જતા ૧૬ વ્યકિતઓને પ૬ લાખનું વળતર ચુકવવા કોર્ટે આદેશ કર્યો છે. સલાટવાડા ખાતે આવેલ જલારામ ચક્ષુ કેન્દ્ર અને શેઠ વડુવાલા આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન પછી ૧૬ દર્દીઓએ આંખની દ્રષ્ટિ ગુમાવી હતી. 

વર્ષ ૧૯૯૮થી ૨૦૦૧ દરમિયાન આવા ૧૬ દર્દીઓએ જાગૃત નાગરિક મારફતે ગ્રાહક કોર્ટમાં ફરિયાદો કરી હતી. વડુવાલા હોસ્પિટલ દ્વારા આ કેસમાં ઓરિએન્ટલ ઇન્સ્પોરન્સ કંપનીને પક્ષકાર તરીકે જોડવા થયેલી અરજી ગ્રાહક કોર્ટે મંજૂર રાખી હતી. 

બંન્ને પક્ષની રજૂઆતો ધ્યાને લઇ ગ્રાહક કોર્ટે નોંધ્યુ હતું કે, જે દર્દીઓએ આંખો ગુમાવી છે તેમાં હોસ્પિટલના કર્મચારીઓ, ડોકટર, નર્સ અને સાધનો જવાબદાર છે. કારણ કે કર્મચારીઓ અને નર્સ જોઇએ તેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા નથી, તેમજ હોસ્પિટલના સાધનો અને મશીનોને સમયસર સ્ટરલાઇઝ કરવામાં આવતા નથી. 

ગ્રાહક કોર્ટે ૧૬ ફરિયાદો મંજૂર કરી હતી અને પ્રત્યેક ફરિયાદીને રૃપિયા ૧.૪૪ લાખ ફરિયાદની તારીખથી ૭ ટકા વ્યાજ, રૃપિયા ૨૫ હજાર માનસિક ત્રાસના વળતર પેટે, રૃપિયા ૪ હજાર પરચૂરણ ખર્ચ પેટે રૃપિયા પાંચ હજાર ચૂકવવાનો ઓર્ડર કર્યો છે. ઉલ્લેખનીય છે કે ૧૬ ફરિયાદોના રૃપિયા ૫૬ લાખ વડુવાલા હોસ્પિટલ અને ઇન્સ્યોરન્સ કંપનીએ દર્દીઓને ચૂકવવા પડશે.

(9:10 am IST)