Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

વડોદરાની હોટલનાં મેનેજરે સહ કર્મચારીનાં અંગત ફોટા સોશ્યલ મીડીયામાં વાયરલ કરી દેતા દેકારો

વડોદરા : અહીંની જાણીતી હોટલના મેનેજરે સાથી કર્મચારીના અંગત ફોટા સોશ્યલ મીડીયામાં વાયરલ કરી દેતા દેકારો મચી ગયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ મેનેજરના કારણે ક્ષોભજનક સ્થિતિમાં મુકાયેલી યુવતીએ ૧૮૧ -મહિલા હેલ્પલાઈનમાં મદદ માગતા હેલ્પલાઈનના કાઉન્સિલરોએ હોટલ મેનેજરને કડક સુચના આપી પોલીસ ફરિયાદ કરવાની જાણ કરતાં અંતે મેનેજેર યુવતીના અંગત ફોટા ડિલીટ કરી પોતાની કરતૂતો બદલ માફીપત્ર લખી આપ્યું હતું. 

રિસેપ્શનિસ્ટે ૧૮૧-મહિલા હેલ્પ લાઈનમાં મદદ માગતા ૧૮૧ની ટીમે મેનેજરને ચેતવણી આપી ફોટા ડિલીટ કરાવ્યા હતા.

ઓફિસ અને કામના સ્થળોએ કોમ્પ્યુટરમાં પોતાની અંગત માહિતી અને ફોટા સેવ કરતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સાની વિગતો એવી છે કે શહેરની એક પ્રતિષ્ઠિત હોટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે ફરજ બજાવતી નેહા (નામ બદલ્યુ છે)એ હોટલના કોમ્પ્યુટરમાં તેના બોયફ્રેન્ડ સાથેની અંગત પળોના ફોટા સેવ કર્યા હતા. તાજેતરમાં ઓફિસથી છુટીને જતી વખતે ઉતાવળમાં તે તેનું ઈમેઈલ એકાઉન્ટ બંધ કરવાનું ભુલી ગઈ હતી. 

દરમિયાન હોટલના મેનેજરે તેનું કોમ્પ્યુટર ચેક કરતાં તેમાં નેહાનું એકાઉન્ટ ચાલું હોઈ તેણે નેહાના તમામ અંગત ફોટા જોયા હતા અને તે હોટલના સ્ટાફને બતાવી તે પોતાના કોમ્પ્યુટર તેમજ સ્ટાફના મોબાઈલમાં પણ સેન્ડ કર્યા હતા. પોતાની અંગતપળોના ફોટા સ્ટાફમાં વાયરલ થયાની જાણ થતાં નેહા ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ હતી અને તેણે મેનેજરને પોતાના અંગત ફોટા ડિલીટ કરવા વિનંતી કરી હતી. જોકે મેનેજેર તેની વાતને ગંભીરતાથી નહી લેતા નેહાએ બદનામીના ડરથી  અભયમ-૧૮૧ મહિલા હેલ્પ લાઈનમાં મદદ માંગી હતી. 

નેહા સાથે વાત કરીને ૧૮૧ની ટીમ તુરંત હોટલ પર પહોંચી હતી અને ટીમના કાઉન્સિલરે મેનેજરનો સંપર્ક કરી નેહાના ફોટા ડિલીટ કરવાની સૂચના આપી હતી. જોકે મેનેજર તેઓની વાતને ગંભીરતાથી લેતો ન હોઈ કાઉન્સિલરે તેને કડક ભાષામાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે કોઈ પણ વ્યકિતની અંગત માહિતી તેની મરજી વિરુધ્ધ ગમે તે રીતે પ્રસિદ્ધ કરવી ગુનો છે અને તેના કૃત્ય બદલ તેની સામે પોલીસ કાર્યવાહી પણ થઈ શકે છે. 

પોલીસ કાર્યવાહીની વાત સાંભળતા જ મેનેજરે તુરંત પોતાના કોમ્પ્યુટરમાં સેવ કરેલા નેહાના ફોટા ડિલીટ કર્યા હતા તેમજ તેણે જે સ્ટાફને ફોટા સેન્ડ કરેલા તે તમામને બોલાવી તેઓના મોબાઈલ ફોનમાંથી પણ નેહાના તમામ ફોટા ડિલીટ કરાવ્યા હતા અને માફીપત્ર લખી આપ્યું હતું. 

૧૮૧ની ટીમે નેહાને તેના મેઈલનો પાસવર્ડ તેઓની હાજરીમાં જ ચેન્જ કરાવ્યો હતો અને હવેથી કોઈ અંગત ફોટા ઓફિસના કોમ્પ્યુટરમાં નહી રાખવા માટે સુચના આપી હતી. પોલીસ ફરિયાદ કર્યા વિના પોતાની સમસ્યાનો ઉકેલ આવતા નેહાએ ૧૮૧ ટીમનો આભાર માન્યો હતો અને હવે ક્યારેય આવી ભુલ નહીં થાય તેની ખાત્રી આપી હતી.

(6:23 pm IST)